સોનાના દાગીના ચમકાવતી ટોળકી ઝડપાઈ:તાપી LCBએ છેતરપિંડી આચરનાર બે આરોપીઓને પકડ્યા

Gujarat6/10/2026, 9:11:30 AM
સોનાના દાગીના ચમકાવતી ટોળકી ઝડપાઈ:તાપી LCBએ છેતરપિંડી આચરનાર બે આરોપીઓને પકડ્યા
તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના કેમિકલ પાવડરથી ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બે આરોપીઓને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ બાઈક સહિત કુલ રૂ. 88,280નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, વાલોડના અંબાચ ગામના આશ્રમ ફળિયામાં રહેતા અરવિંદાબેન ગામિતને કાળા કલરની પલ્સર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ સોનાના દાગીના કેમિકલથી ચમકાવી આપવાની વાત કરી હતી. આરોપીઓએ વિશ્વાસમાં લઈને ફરિયાદીના ગળામાંથી રૂ. 80,000ની કિંમતની આશરે બે તોલાની સોનાની ચેઈન કઢાવી હતી અને કેમિકલના પાવડરમાં સાફ કરવાના બહાને નજર ચૂકવી ચેઈન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ધર્મેશભાઈ અને પો.કો. રોનક સ્ટીવન્સનને ચોક્કસ બાતમી મળી હતી કે, શંકાસ્પદ બાઈક (GJ-04-DM-3083) પર બે ઈસમો વ્યારા ટાઉન વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક વ્યારા તળાવ રોડ પર કોર્ડન કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ મોહમદ અમજદ મોહમદ ઇલીમ રાઇન (ઉ.વ. 23, મૂળ રહે. બિહાર) અને મોહમદ ઉસ્તાદ મોહમદ સિરાજુલ મન્સુરી (ઉ.વ. 31, મૂળ રહે. બિહાર) છે, જેઓ હાલમાં બિલ્લીમોરા, નવસારી ખાતે રહેતા હતા. પોલીસે તેમની પાસેથી સોનાનો ભુકો અને રવો (કુલ વજન 11.270 ગ્રામ), ક્લીનિંગ પાવડર, નાઇસ્ટ્રીક એસિડ, સોનું તોલવાનું પોકેટ મશીન, મોબાઈલ ફોન અને પલ્સર મોટરસાયકલ સહિત કુલ રૂ. 88,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે તેમની સામે અગાઉ પણ અમરેલીના દામનગર અને ભાવનગરના અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર સફળ કામગીરી તાપી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
Read Original Article →