25 વર્ષે પકડાયો ડબલ મર્ડર અને ધાડનો આરોપી:તાપીના વાલોડમાં લૂંટ-હત્યા કરી ઉત્તરપ્રદેશમાં વેશપલટો કરી રહેતો હતો; તાપી LCBએ દબોચ્યો

Gujarat4/8/2026, 8:23:37 AM
25 વર્ષે પકડાયો ડબલ મર્ડર અને ધાડનો આરોપી:તાપીના વાલોડમાં લૂંટ-હત્યા કરી ઉત્તરપ્રદેશમાં વેશપલટો કરી રહેતો હતો; તાપી LCBએ દબોચ્યો
કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વર્ષ 2000ના ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. 25 વર્ષ પહેલાનો રૂંવાડા ઉભા કરી દેતો ગુનો માર્ચ 2000માં અંકલેશ્વરના આઠ જેટલા શખ્સોએ યાર્નના કાર્ટુન ભરેલી એક ટ્રક (નંબર MH-04-P-3476) લૂંટવાનું કાવતરું રચ્યું હતું. કીમ ચાર રસ્તાથી મુસાફર બની ટ્રકમાં બેઠેલા આરોપીઓએ વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી હતી. ત્યારબાદ ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી. ક્રૂરતાની હદ વટાવતા આરોપીઓએ ક્લીનરની લાશ પર ટ્રકનું ટાયર ફેરવી દીધું હતું અને બંનેના મૃતદેહો ફેંકી દઈ 7 લાખના યાર્નની લૂંટ કરી હતી. 25 વર્ષનો વનવાસ અને વેશપલ્ટો આરોપી ગીરીશ મિશ્રા પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી-વાળ વધારી વેશપલ્ટો કરીને રહેતો હતો. તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુધ્ધાં ટાળતો હતો જેથી પોલીસના હાથે પકડાય નહીં. જોકે, તાપી પોલીસની બાજનજરથી તે બચી શક્યો નથી. પોલીસની ટીમે આ રીતે પાર પાડ્યું ઓપરેશન તાપી એસપીની સૂચના હેઠળ એલસીબી PI ડી.એસ. ગોહિલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શનમાં PSI એન.એસ. વસાવા અને તેમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરી રહી હતી. ASI ધર્મેશભાઇ અને પો.કો. રોનકભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ગામે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો. અન્ય આરોપીઓની સ્થિતિ આ ગુનામાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા. જે પૈકીના બે આરોપીઓ ભરૂચ ખાતે જાપ્તામાંથી ફરાર થયા હતા, જેમાં શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હવે ગીરીશ મિશ્રાની ધરપકડ બાદ, અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં એલ.સી.બી. PI ડી.એસ. ગોહિલ, PI જે.બી. આહિર, PSI એન.એસ. વસાવા, PSI કે.આર. પટેલ, ASI ધર્મેશભાઇ, પો.કો. રોનકભાઇ અને ડ્રા. ASI કિરણભાઇ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →