સોનગઢના ચાપલધરા ગામે નવા બનેલા રોડનો ડામર ઉખડ્યો:રોડનું પડ માંડ એક ઇંચ જેટલું પણ નથી, રોડની ગુણવત્તા મામલે સ્થાનિકોએ તપાસની માંગ કરી

Gujarat6/7/2026, 12:37:21 PM
સોનગઢના ચાપલધરા ગામે નવા બનેલા રોડનો ડામર ઉખડ્યો:રોડનું પડ માંડ એક ઇંચ જેટલું પણ નથી, રોડની ગુણવત્તા મામલે સ્થાનિકોએ તપાસની માંગ કરી
સોનગઢ તાલુકાના ચાપલધરા ગામમાં બનેલો એક નવો ડામર રોડ માત્ર 15 થી 20 દિવસમાં જ ઉખડવા લાગ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડની નબળી ગુણવત્તા ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો બની છે. રોડ નિર્માણ માટે સરકારે મોટી રકમ ફાળવી હોવા છતાં, કામની ગુણવત્તા અત્યંત હલકી જણાઈ રહી છે. ડામરની ગુણવત્તા અને પ્રમાણ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. મજબૂત પડને બદલે માત્ર પાતળી ડામરની પોલિશ કરી ઉપરથી પથ્થરની ડસ્ટ છાંટી દેવામાં આવી છે. રોડનું પડ માંડ એક ઇંચ જેટલું પણ નથી. પરિણામે, જે રોડ વર્ષો સુધી ટકવું જોઈતું હતું, તે આજે હાથ અડાડતાની સાથે જ કપચી અને ડામરની પતરીઓના સ્વરૂપમાં ઉખડી રહ્યું છે. રોડ પર પગલાં પાડવાથી પણ કાંકરા ઉડે છે, જે વાહનોની અવરજવર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ મામલે વધુ વિગત જાણવા તલાટી અનિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે શરૂઆતમાં "જોઈને જણાવીશ" તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ 4 લાખ રૂપિયાનું કામ છે અને તે TSP ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ આ મામલે તુરંત ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →