સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ નવીનીકરણ:₹45.42 કરોડ મંજૂર, તાપી જિલ્લાના વિકાસને મળશે નવી ગતિ

Gujarat6/6/2026, 11:37:36 AM
સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ નવીનીકરણ:₹45.42 કરોડ મંજૂર, તાપી જિલ્લાના વિકાસને મળશે નવી ગતિ
રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે સાપુતારાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતા મહત્વપૂર્ણ માર્ગના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તાપી જિલ્લાના બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના વાઈડનીંગ અને મજબૂતીકરણ માટે રૂ. 45.42કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 29.50 કિલોમીટર લાંબા માર્ગને 7.50મીટરથી વધારીને 10 મીટર પહોળો કરવામાં આવશે. ડુંગરાળ અને વળાંકવાળા વિસ્તારોમાંથી પસાર થતા આ માર્ગ પર વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરાયું છે. જેમાં ‘કવ્ડ ઇમ્પ્રૂવમેન્ટ’, પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર અને સાઈનેજ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી મુસાફરી વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. આ માર્ગ માત્ર પરિવહનનો રસ્તો નથી, પરંતુ તે દેશના ગૌરવ સમાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ડાંગના શબરીધામ અને પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સાથે જોડતી એક મજબૂત કડી બનશે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી સોનગઢ, ઉકાઈ અને સાગબારા જેવા તાલુકાઓ વચ્ચેનું અંતર સરળ બનશે અને પ્રવાસીઓની અવરજવરમાં નોંધપાત્ર વધારો થશે. માર્ગના નવીનીકરણથી શેરૂલ્લા, બાવલી, ભટવાડા, જૂની કુઈલીવેલ, સાતકાશી, આમલપાડા, કુઈલીવેલ અને બોરદા સહિતના આઠથી વધુ ગામોની અંદાજે 12,780જેટલી વસ્તીને સીધો લાભ મળશે. રસ્તાના વિકાસથી સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે સુગમતા વધશે. પર્યટન ક્ષેત્રે થતા આ વિકાસને કારણે સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી થશે. આ અંતરિયાળ વિસ્તારો ‘સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત’ના વિઝન સાથે મુખ્ય પ્રવાહમાં જોડાઈને આર્થિક વિકાસના નવા શિખરો સર કરશે. આ માળખાગત સુવિધાથી તાપી જિલ્લાની કાયાપલટ થવાની આશા સેવાઈ રહી છે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
Read Original Article →