કલેક્ટર સમક્ષ ફરિયાદ:મુસા ગામની ગૌચરમાં રસ્તો-બાંધકામ થયાની રાવ
વ્યારા તાલુકાના મુસા ગામમાં ગૌચર તથા અન્ય જમીનો પર કથિત ગેરકાયદેસર દબાણ અને બાંધકામના મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચ મરિયમબેન ગામીત, તર્કકુમાર ચૌધરી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે મુસા ગામ અનુસૂચિત-5 વિસ્તાર હેઠળ આવે છે, છતાં ગ્રામસભા અને ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના કેટલાક બિલ્ડરો દ્વારા કોમર્શિયલ હેતુસર રસ્તા અને પાકા બાંધકામો કરવામાં આવી રહ્યા છે. વ્યારા આવેદન મુજબ સર્વે નં. 260(એ), 200/002 સહિતના વિસ્તારોમાં જરૂરી મંજૂરીઓ વિના બાંધકામ ચાલી રહ્યું છે. ઉપરાંત ગૌચર જમીન ધરાવતા સર્વે નં. 195માં આશરે 40 ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગૌચર જમીન પર દબાણ થવાથી પશુપાલન માટે ઉપલબ્ધ જમીન સતત ઘટી રહી છે.રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે વરસાદી પાણીના કુદરતી વહેણ માટે ઉપયોગી કોતરો અને ખેતી ઉપયોગી નહેરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેના કારણે પર્યાવરણ તેમજ ખેતીને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગૌચર જમીન સંપૂર્ણ ખતમ થવાનો ખતરો છે. ગ્રામજનોએ કલેક્ટરને સમગ્ર મામલે સ્થળ તપાસ કરાવી ગેરકાયદે બાંધકામો અને રસ્તાના કામો તાત્કાલિક અસરથી સ્થગિત કરાવવા તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ ગ્રામજનોની મુખ્ય માંગણીઓ
ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનમાં ગૌચર જમીન પર થયેલા કથિત દબાણોની તપાસ, મંજૂરી વિના ચાલી રહેલા બાંધકામો તાત્કાલિક બંધ કરાવવા, ગૌચર જમીન અને કુદરતી જળમાર્ગોને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા તેમજ સમગ્ર પ્રકરણમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ અનુસૂચિત-5 વિસ્તારના કાયદાકીય હકો અને ગ્રામસભાની સત્તાનું પણ રક્ષણ કરવા અપીલ કરી છે.
Read Original Article →