તાપી કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની બદલી:દેવ ચૌધરી નવા કલેક્ટર, ગર્ગ ગુજરાત ટુરિઝમના MD
રાજ્ય સરકારે તાપી જિલ્લાના વહીવટી માળખામાં ફેરફાર કર્યો છે. જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તાપી-વ્યારાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ (IAS: 2016) ને ગાંધીનગર ખાતે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સેવાઓ ઉદ્યોગ અને ખાણ વિભાગને સોંપવામાં આવી છે. તેઓ પ્રભવ જોશી (IAS) નું સ્થાન લેશે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી (IAS: 2016) ને તાપી-વ્યારાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ડૉ. વિપિન ગર્ગની બદલી બાદ ખાલી પડેલી આ જગ્યા પર તેઓ તાપી જિલ્લાનું સુકાન સંભાળશે. IAS દેવ ચૌધરી 2016 બેચના અધિકારી છે. તેમણે અગાઉ રાજકોટમાં આસિસ્ટન્ટ કલેક્ટર, મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે સેવાઓ આપી છે. નવસારીમાં તેમણે શહેરના માળખાગત વિકાસ અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સોનગઢ ખાતેના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP) જયંત સિંહ રાઠોડ (IAS: 2021) ને જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાધનપુરના આસિસ્ટન્ટ કલેક્ટર રાજેશ કુમાર મૌર્ય (IAS: 2022) ને સોનગઢના નવા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરાયા છે. નિઝર (તાપી) ના આસિસ્ટન્ટ કલેક્ટર ઓમકાર રાજેન્દ્ર શિંદે (IAS: 2022) ની બદલી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે. તેઓ છોટાઉદેપુર ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP) તરીકે કાર્યભાર સંભાળશે.
Read Original Article →