બિનહરીફ વરણી:જિ. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે મહિલાને સ્થાન, 5 વિધાનસભા બેઠકને આવરી લેતું સમીકરણ બેસાડાયું

Gujarat5/25/2026, 12:00:00 AM
બિનહરીફ વરણી:જિ. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે મહિલાને સ્થાન, 5 વિધાનસભા બેઠકને આવરી લેતું સમીકરણ બેસાડાયું
સુરેન્દ્રનગર કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લા પંચયાતના પ્રમુખ પદે કોળી સમાજની મહિલાની પસંદગી કરાઇ છે. જ્યારે પાટીદાર મહિલાને ઉપપ્રમુખ પદ સોંપાયું છે. રવિવારે તમામ હોદ્દા માટે ઉમેદવારી પત્રક રજૂ કરાયા છે. આજે યોજનારા ચૂંટણીમાં બિનહરીફ વરણી થશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને 5 વિધાનસભાની સીટોના હોદ્દેદારોની વરણી કરી દુરદર્શી સમીકરણો બેસાડવામાં આવ્યા છે . સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા અને ઠાકોર સમાજનું ભારે પ્રભુત્વ છે. જેમાં લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા ઠાકોર સમાજના છે. આથી તળપદા કોળી સમાજને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ભાજપ મોવડી મંડળે આપ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખને અપાયો હતો. આ મેન્ડેટમાં પ્રમુખ પદ માટે રંજનબેન ઘનશયામભાઈ ભુસડીયા અને ઉપપ્રમુખ પદે પાયલબેન દર્શનકુમાર પટેલ અને કારોબારી ચેરમેન પદે અજયસિંહ શિવરાજસિંહ રાણાનું નામ જાહેર થયુ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે રવિવારે બપોરે તમામ હોદ્દેદારોની હાજરીમાં ઉમેદવારી પત્રકો ભરાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ સોમવારના રોજ યોજાનાર ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ થાય તેવી શકયતાઓ છે. અહીં મહત્વની બાબત એ છે કે, આ ટર્મની વરણીમાં એક પણ હોદ્દેદારને રિપીટ કરાયા નથી. બીજી કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને 5 વિધાનસભાની સીટોના હોદ્દેદારોની વરણી કરી દુરદર્શી સમીકરણો બેસાડવામાં આવ્યા છે. રૂ.15.24 કરોડનું બજેટ ધરાવતી જિલ્લા પંચાયતનો કારભાર હવે હોદ્દેદારોના શીરે આવશે. નો રિપીટ થિયરી : 20 વર્ષથી સક્રિય કાર્યકરને પ્રમુખ પદ સોંપાયું જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં પાટીદારને અઢી વર્ષ માટે પ્રમુખપદ સોંપાયું હતું. આ વખતની ચૂંટણીમાં એકપણ ઉમેદવારને રિપીટ ન કરી તમામ હોદ્દા ઉપર નવાચહેરાને સ્થાન અપાયું છે. ટુવા ગામની દીકરી અને કરણગઢ ગામના 47 વર્ષના રંજનબેન ઘનશ્યામભાઈ ભુસડીયા ધો. 7 સુધી ભણેલા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી વઢવાણ ભાજપ મહિલા મોરચામાં સક્રિય કાર્યકર છે. રંજનબેન ખોડુ સીટ પર ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. કઇ વિધાનસભામાંથી કોની વરણી? વઢવાણ વિધાનસભાની ખોડુ જિલ્લા પંચાયતને પ્રમુખ પદ, ધ્રાંગધ્રા વિધાનસભાની રાજસીતાપુર સીટ પર ઉપપ્રમુખ પદ, પાટડી-લખતર વિધાનસભાની વિઠ્ઠલગઢ સીટ પરના કારોબારી ચેરમેન, ચોટીલા- મૂળી વિધાસભાના મોટી મોલડી સીટ પરથી પક્ષનેતા, લીંબડી-સાયલા સીટ પરથી હોદ્દેદારની નિમણૂંક કરાઇ છે.
Read Original Article →