કપાસની પ્રાકૃતિક ખેતી માટે વડોદમાં કેમ્પ યોજાયો:આત્મા વિભાગે ખેડૂતોને ગૌ-આધારિત પદ્ધતિઓ શીખવી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામે આત્મા વિભાગ દ્વારા "પ્રિસિઝનલ કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ આગામી ચોમાસુ પાકની વાવણી પૂર્વે ખેડૂતોમાં કપાસની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે જાગૃતિ લાવવાનો હતો. કેમ્પ દરમિયાન ખેડૂતોને કપાસના પાકમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી, તેના સ્થાને સંપૂર્ણપણે ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે. તેમણે કપાસના પાકમાં જીવામૃત, ઘનજીવામૃત, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ઘટકોના યોગ્ય ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ કેમ્પ દ્વારા ખેડૂતોને વાવણીથી લઈને લણણી સુધીની તમામ પ્રક્રિયાઓનું સચોટ આયોજન કરતા શીખવવામાં આવે છે. આનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકાય છે. તાલીમ શિબિરમાં પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગૌ-આધારિત ખેતી અપનાવવાથી કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચૂસિયા જેવી જીવાતોનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે ઘટે છે. કાળુભાઈએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે, જેના કારણે ભેજસંગ્રહ શક્તિમાં વધારો થાય છે. પરિણામે, ઓછા પાણીએ પણ પાક લાંબા સમય સુધી ટકી રહે છે. કાળુભાઈએ અન્ય ખેડૂતોને રાસાયણિક દવાઓનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક કપાસનું વાવેતર કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી ખેતી ખર્ચ ઘટાડી શકાય અને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરી શકાય. આ તકે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ તાલીમથી પ્રેરિત થઈને ઉપસ્થિત તમામ ખેડૂતોએ આગામી ચોમાસામાં કપાસના પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અજમાવવાનો સંકલ્પ લીધો. આ કેમ્પમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.
Read Original Article →