વઢવાણ રોટરી ક્લબે 180થી વધુ વિદ્યાર્થીઓને ₹17.50 લાખની સ્કોલરશીપ આપી:'રોટરી વિદ્યા સહાય યોજના' હેઠળ શિક્ષણ સહાય કાર્યક્રમ યોજાયો
રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી (રોટરી ડિસ્ટ્રિક્ટ 3060) દ્વારા 'રોટરી વિદ્યા સહાય યોજના' અંતર્ગત શિક્ષણ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હેઠળ 180 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ ₹17.50 લાખની શૈક્ષણિક સ્કોલરશીપ આપવામાં આવી. વઢવાણ રોટરી સેવા ટ્રસ્ટ સંચાલિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડીને તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે, અને આ પ્રયાસ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા. ડેપ્યુટી મેયરે વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી સમજ આપી અને રોટરી ક્લબના આ કાર્યને બિરદાવ્યું. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ટ્રેડબુલ્સ સિક્યુરીટીસ પ્રા. લિ., શ્રી ફાઉન્ડેશન (SKP બેરીંગ), ઓર્બિટ બેરીંગ ઇન્ડિયા પ્રા. લિ., રમેશભાઈ વોરા (દુબઈ) અને ખુશી - રિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ અને દાતાઓ તરફથી વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટીની ટીમે, જેમાં પ્રેસિડેન્ટ કાર્તિક પટેલ, પ્રોજેક્ટ ચેરમેન હિતા જાની અને સેક્રેટરી જયદીપ બાવળિયાનો સમાવેશ થાય છે, ભારે જહેમત ઉઠાવી હતી. વઢવાણ અને આસપાસના વિસ્તારના નાગરિકો દ્વારા આ સેવાકાર્યને વ્યાપકપણે બિરદાવવામાં આવી રહ્યું છે.
Read Original Article →