કિશોરીઓને કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર કરાઈ:વઢવાણ ઘટક-2 દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત યોજાઈ

Gujarat5/16/2026, 11:34:48 AM
કિશોરીઓને કાયદાકીય પ્રક્રિયાથી માહિતગાર કરાઈ:વઢવાણ ઘટક-2 દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના ઉત્કર્ષ અને જાગૃતિ માટે વઢવાણ ઘટક-2 દ્વારા આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ 15થી 18 વર્ષની કિશોરીઓને જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી, જેથી તેમને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરી શકાય. વઢવાણ ઘટક-2ના સેજા સુરેન્દ્રનગર-3 ખાતે યોજાયેલી આ બેઠકમાં પૂર્ણા યોજના અંતર્ગત થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરોને પૂર્ણા રજિસ્ટર સમયસર અને ક્ષતિરહિત પૂર્ણ કરવા અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં કિશોરીઓના આરોગ્ય અને સુખાકારી સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ કિશોરીઓના વજન, ઊંચાઈ અને BMI નિયમિતપણે માપવા સૂચના અપાઈ હતી. એનિમિયા મુક્ત અભિયાન અંતર્ગત દર ત્રણ મહિને એક વખત HB (હિમોગ્લોબિન) પરીક્ષણ કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પૂર્ણા પોર્ટલ પર કિશોરીઓની ડિજિટલ એન્ટ્રી માટે આભા આઈડી (ABHA ID) ફરજિયાત હોવાની સાથે તેમનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો અનિવાર્ય હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, દર મહિનાની નિયત થીમ અનુસાર ચોથા મંગળવારની ઉજવણી આંગણવાડી કેન્દ્રો પર ફરજિયાતપણે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ સાથે કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. કિશોરીઓના સામાજિક જ્ઞાન અને સુરક્ષાના ભાવને મજબૂત કરવાના આશયથી 15થી 18 વર્ષની વયજૂથની 20 કિશોરીઓએ જોરાવરનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા કિશોરીઓને પોલીસ સ્ટેશનમાં થતી રોજબરોજની કામગીરી, કાયદાકીય પ્રક્રિયાઓ અને મુશ્કેલીના સમયે મદદ મેળવવા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન અને પૂર્ણા કન્સલ્ટન્ટ ચૌહાણ પાર્વતીબેનના સંકલન હેઠળ આંગણવાડી કાર્યકરોની સમીક્ષા બેઠક તેમજ કિશોરીઓનો પોલીસ સ્ટેશન મુલાકાત કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Read Original Article →