ઝીંઝુવાડા રણમાં 10,000 ફ્લેમીંગોનો જમાવડો:વાછડાદાદાની જગ્યા પાછળ પાણી વચ્ચે અનોખો નજારો

Gujarat5/15/2026, 2:02:35 PM
ઝીંઝુવાડા રણમાં 10,000 ફ્લેમીંગોનો જમાવડો:વાછડાદાદાની જગ્યા પાછળ પાણી વચ્ચે અનોખો નજારો
ઝીંઝુવાડાના વચ્છરાજબેટ રણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો છે. હાલમાં ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ લગભગ 10,000 જેટલા ફ્લેમીંગો એકઠા થયા છે, જેના કારણે આ વિસ્તારમાં અનોખો નજારો સર્જાયો છે. આ વેરાન રણ માનવીય ખલેલથી મુક્ત હોવાથી પક્ષીઓ માટે સુરક્ષિત સ્થળ પૂરું પાડે છે. હજારો કિલોમીટર દૂર સાઇબેરીયા, યુરોપ અને લદાખ જેવા પ્રદેશોમાંથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર ફ્લેમીંગો સહિતના વિદેશી પક્ષીઓના ઝુંડ અહીં આવે છે. સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબદ્ધ માળા બનાવી સંવનન કરે છે અને બચ્ચાઓને જન્મ આપીને પછી પોતાના મૂળ વતન પરત ફરે છે. કચ્છના નાના રણમાં દર વર્ષે વરસાદની સાથે રૂપેણ અને બનાસ સહિતની નદીઓનું પાણી ભરાય છે. આ પાણી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સામાન્ય રીતે નળ સરોવર તરફ જતા વિદેશી પક્ષીઓના ઝુંડ હાલમાં રણ તરફ વળ્યા છે. પક્ષીઓના કલરવથી આખું વાતાવરણ જીવંત બન્યું છે. આ અંગે ઝીંઝુવાડા ગામના રઘુભા ઝાલાએ જણાવ્યું હતું કે, વાછડાદાદા નજીક ભરાયેલા પાણીમાં પક્ષીઓના ઝુંડને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. પક્ષી પ્રેમીઓ પણ આ દ્રશ્ય નિહાળીને ખુશ થઈ રહ્યા છે.
Read Original Article →