લોકો પરેશાન:લખતર PGVCLની કચેરી જ પાણીમાંરાત્રે સામાન્ય વરસાદમાં લાઇટો પણ ગુલ
લખતર ખાતે આવેલ પીજીવીસીએલની કચેરીમાં વર્ષો જૂની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે. પ્રથમ વરસાદ પડતા જ કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કચેરી બન્યા ત્યારથી આજદિન સુધી પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી કાર્યવાહી કરાઈ નથી. વર્ષો દરમિયાન આ કચેરીમાં અનેક અધિકારીઓ આવ્યા અને બદલાયા, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ સફળતા મળી નથી. પ્રથમ વરસાદમાં જ કચેરીના પ્રાંગણમાં પાણીમાં ફેરવાઈ ગયા હતા. તો બીજી તરફ પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ પણ પાણીમાં ગયેલા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પ્રથમ વરસાદ દરમિયાન રાત્રિના સમયે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે પરેશાન બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફરિયાદ માટે આપવામાં આવેલ કમ્પલેઈન નંબર ઉપર સતત કોલ કરવામાં આવ્યા છતાં નંબર સતત વ્યસ્ત આવતો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, કમ્પલેઈન નંબર ઉપર સંપર્ક થતા વિરમગામ તરફથી વીજ ગુલ થયાનો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. જેના કારણે લોકોને યોગ્ય માહિતી પણ મળી શકી નહોતી. આમ, જો વીજ વિભાગની પોતાની કચેરી જ વરસાદી પાણીથી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રત્યે તંત્ર કેટલું ગંભીર હશે? વરસાદી પાણીના કાયમી નિકાલ, કચેરીની આસપાસ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા તેમજ રાત્રિના સમયે ફરિયાદ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠી રહી છે.
Read Original Article →