ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે લાલ આંખ બાદ ડ્રોન સર્વેલન્સ:થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે કોલસા ખનન સામે 'ઝીરો ટોલરન્સ', ચોટીલાના નાયબ કલેક્ટર સહિતની બાજનજર

Gujarat5/26/2026, 2:42:55 AM
ચોટીલામાં ખનીજ માફિયાઓ સામે લાલ આંખ બાદ ડ્રોન સર્વેલન્સ:થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે કોલસા ખનન સામે 'ઝીરો ટોલરન્સ', ચોટીલાના નાયબ કલેક્ટર સહિતની બાજનજર
ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખનન પ્રભાવિત વિસ્તારોમાં તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાસ કરીને થાનગઢ અને મૂળી વિસ્તારના જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ઉમરડા, વગડીયા અને ખંપાળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ અંકુશ લાવવાનો લક્ષ્ય નક્કી કરાયો છે. અગાઉ વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયેલા કોલસાના કુવાઓ ભૂમાફિયાઓ દ્વારા ફરીથી ચાલુ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખનીજ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ' સરકારે ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી છે. ડ્રોન ટેકનોલોજી દ્વારા આ વિસ્તારોમાં સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ખનીજ માફિયાઓ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ ન કરી શકે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું છે કે, સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. નિયમોનો ભંગ કરનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીથી દુર્ગમ વિસ્તારો પર દેખરેખ ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ અસરકારક દેખરેખ શક્ય બની છે. તેના પરિણામે અગાઉ બંધ કરાયેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરી શરૂ થવાની શક્યતાઓ પર સદંતર બ્રેક વાગી છે. ચોટીલા સબ ડિવિઝન તંત્ર આધુનિક ટેકનોલોજી અને સુદ્રઢ વહીવટી વ્યવસ્થાના સમન્વયથી કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે અને ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Read Original Article →