હરિદ્વારમાં અધિક માસ નિમિત્તે ભાગવત સપ્તાહ:સ્વામિનારાયણ ગુરુકુળ સુરેન્દ્રનગર દ્વારા દિવ્ય કથા જ્ઞાનયજ્ઞનું આયોજન
સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ગુરુકુળ સુરેન્દ્રનગર દ્વારા હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર અધિક માસ નિમિત્તે 23 મે, 2026 થી 29 મે, 2026 દરમિયાન આ આધ્યાત્મિક મહોત્સવ સ્વામિનારાયણ ભાગવતધામ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, ભૂપતવાલા, હરિદ્વાર ખાતે યોજાશે. આ દિવ્ય કથાના વક્તા શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી મહાત્મા સ્વામી સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 9 થી 12:30 કલાકનો રહેશે અને તેનું યુટ્યુબ પેજ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન વિવિધ ભક્તિમય ઉત્સવોનું આયોજન કરાયું છે. 23 મે, 2026, શનિવારે રાધાષ્ટમી નિમિત્તે સવારે 7:30 કલાકે સ્વામિનારાયણ ઘાટથી ભાગવતધામ આશ્રમ સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય, 9:15 કલાકે મંગલ ઉદ્બોધન અને 9 થી 12:30 દરમિયાન કથાનો પ્રારંભ થશે. 24 મે, 2026, રવિવારે હરિજયંતી અને રામનવમી નિમિત્તે રાત્રે 8 કલાકે અંબારામ દુમાદિયા પ્રસ્તુત સત્સંગ હાસ્યરસ તેમજ હસમુખભાઈ દ્વારા દિવ્ય રાસોત્સવનું આયોજન છે. 25 મે, 2026, મંગળવારે દશમ અધિક જેઠ એકાદશી, શેષ નારાયણ જયંતી અને કૃષ્ણ જન્મોત્સવ બપોરે 12 કલાકે ધામધૂમથી ઉજવાશે. 27 મે, 2026, બુધવારે એકાદશી અને ગીતા જયંતીના દિવસે સવારે 6 કલાકે ગંગા કિનારે, ભૂપતવાલા સ્થિત સ્વામિનારાયણ ઘાટ પર મહાપૂજાનું વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે. 28 મે, 2026, ગુરુવારે સવારે 11 કલાકે પ્રભુના રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આનંદોલ્લાસ સાથે મનાવવામાં આવશે. હરિજયંતી અને એકાદશી ગીતા જયંતીના પવિત્ર દિવસે સાંજે હરકીપોડી મુખ્ય જગ્યાએ ભવ્ય મહાઆરતી યોજાશે. સૌ હરિભક્તોને આ દર્શનનો અમૂલ્ય લાભ લેવા અનુરોધ કરાયો છે. આ આધ્યાત્મિક જ્ઞાનયજ્ઞમાં પોરબંદરથી ભાનુપ્રકાશદાસજી સ્વામી, મોરબીથી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂર્ણપ્રકાશદાસજી સ્વામી, રાજકોટથી મહંત રાધારમણદાસજી તેમજ સ્વામી ચંદ્રપ્રકાશદાસજી મવડી, ધ્રાંગધ્રાથી નારાયણસ્વરૂપદાસજી અને સ્વામી વિવેકસાગરદાસજી, હરિદ્વારથી આનંદસ્વરૂપદાસજી, ઋષિકેશથી નિર્ભયચરણદાસજી અને સુનિલ ભગત, સુરતથી સ્વામી હરિકૃષ્ણદાસજી, કોસાડથી દિવ્યસાગરદાસજી અને જૂનાગઢથી ભક્તિચરણદાસજી સ્વામી સહિતના અનેક ઉચ્ચ સંતો-મહંતો પધારીને આશીર્વચન પાઠવશે.
Read Original Article →