રણની ઉજ્જડ અને બંજર જમીનમાં હરિયાળી ક્રાંતિ સર્જી:પંચાયતની 67 વિઘા જમીનમાં યુવાને 10,000 વૃક્ષો વાવી સર્જ્યું નંદનવન; મુખ્યમંત્રીના હસ્તે ‘ધરતી રત્ન એવોર્ડ’ એનાયત
આજે 5મી જૂને "વિશ્વ પર્યાવરણ દિન"ની ઉજવણી થઇ રહી છે, ત્યારે રણની કાંધીએ આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા પ્રતિ હેક્ટર દીઠ 4.15 વૃક્ષો છે. કચ્છના નાના રણથી 5 કિમી દૂર આવેલા પાટડીના ગવાણા ગામના યુવાને રણપ્રદેશમાં લીલોતરીની એક ઉમ્મીદ જગાવી છે. રણકાંઠે વિકાસ અને આશાનો અજવાસ પાથર્યો
ગુજરાતની પાવન ધરા પર રણની સૂકી રેતી વચ્ચે હરિયાળીની કલ્પના પણ અશક્ય લાગે, ત્યારે કેટલાક વિરલ વ્યક્તિત્વો પોતાના સંકલ્પ, પરિશ્રમ અને સેવાભાવથી અસંભવને શક્ય બનાવી દે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વગાથા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના પર્યાવરણપ્રેમી જયેશભાઈ રાવલની છે. જેમણે પોતાનું જીવન સમાજના છેવાડાના માનવી, પર્યાવરણના સંરક્ષણ અને માનવ કલ્યાણ માટે સમર્પિત કરીને રણકાંઠે વિકાસ અને આશાનો અજવાસ પાથર્યો છે. જયેશ રાવલે પંચાયતની 67 વિઘા જમીનમાં 10,000 વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ સર્જી છે. રણની ઉજ્જડ અને બંજર જમીનમાં લીલોતરીની પરિકલ્પના સાકાર કરી છે. ઉમરો, પીપળ, લીંબડો, જાંબુ, પીપળો, ગોરસ આંબલી, બીલી, પેન્ટાગોન, કણજી, આંબલી, અર્જુન, મહુડો, ગુગળ અને સીસમ સહિતના વૃક્ષોનું વાવેતર કર્યું છે. પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રેરણારૂપ
પર્યાવરણ જતન અને હરિત વિકાસ ક્ષેત્રે જયેશ રાવલનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ સંકલ્પને જીવનમાં ઉતારી તેમણે છેલ્લા દસ વર્ષથી “વડાપ્રધાન વૃક્ષ ઉછેર અભિયાન”ને લોકચળવળનું સ્વરૂપ આપ્યું છે. રણ વિસ્તાર અને આસપાસના ગામોમાં અત્યાર સુધીમાં 50,000થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષારોપણ સાથે તેની જાળવણી અને માવજત દ્વારા પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. મુખ્યમંત્રીના હસ્તે “ધરતી રત્ન એવોર્ડ”થી સન્માનિત
જયેશ રાવલના પર્યાવરણ જતન અને સમાજસેવાના યોગદાનને બિરદાવતા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને “ધરતી રત્ન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયેશ રાવલનું જીવન એ સાબિત કરે છે કે, સંકલ્પ અને સમર્પણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. તેઓ ખરેખર ગુજરાતની ધરતીના ગૌરવરૂપ “ધરતી રત્ન” છે. જયેશકુમાર રાવલ જણાવે છે કે, હું દસાડા તાલુકાના પાનવા ગામનો વતની છું, વર્ષ 2023માં અમે સમસ્ત ગવાણા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ગવાણા ગામે વડાપ્રધાન મોદીના 73માં જન્મદિને 7300 જેટલા વૃક્ષો અહીંયા વાવ્યાં હતા, અને બીજા 2300 જેટલા વૃક્ષો વાવી આ એક જ જગ્યા ઉપર 10,000 જેટલા વૃક્ષો હાલમાં ઉછરી ગયા છે, જેનો અમને ખુબ જ આનંદ છે. ‘વૃક્ષોની જાળવણી માટે તમામનો પૂરતો સહયોગ મળ્યો’
વધુમાં જણાવ્યું કે, આ વનીકરણની સફળતાનું કોઈ રહસ્ય હોય તો એ છે લોક ભાગીદારી. જેના થકી આખુ પર્યાવરણનું કામ ઉપાડ્યું છે. જેમાં દરેક સમાજના લોકોએ પર્યાવરણ જાળવણી માટે અને વૃક્ષ ઉછેર માટે પૂરતો સહયોગ આપ્યો છે. ખાસ માલધારી સમાજના અમે ખુબ આભારી છીએ કે, જેઓએ જ્યા સુધી આ વૃક્ષો ઉછર્યાં નહીં, ત્યાં સુધી એમનું એકપણ પશુ આ કેમ્પસમાં આવવા દીધું નથી. દરેક સમાજના લોકો અહીંયા હળીમળીને મુલાકાત લેવા આવે છે. શાળાના બાળકોએ કેટલાક વૃક્ષોને દત્તક લીધા
વધુમાં જણાવ્યું કે, ગવાણા પ્રાથમિક શાળાના કેટલાક બાળકોએ તો અહીંયા વૃક્ષો દત્તક પણ લીધા છે. જેઓ દર અઠવાડિયે એકાદ કલાક દત્તક લીધેલા વૃક્ષને પાણી પીવડાવે છે અને એના રક્ષણને લગતા બધા કામો કરે છે. આ આખો કાર્યક્રમ દાતાઓના આર્થિક સહયોગથી અને લોક ભાગીદારી થકી એક ચળવળનું સ્વરૂપ પામ્યો છે. અમે એવા વૃક્ષો પસંદ કર્યાં છે જેમાં પક્ષીઓને ચણ મળી રહે, જમીનમાં ખારાશ સોસે, ઉનાળામાં દુધાળા પશુઓને છાંયો મળી રહે અને ભવિષ્યમાં બહેનોને રોજગાર મળી રહે. આયુર્વેદ કે જે હર્બલમાં કામ આવી શકે એવા ઔષધિમાં કામ આવી શકે એવા વૃક્ષો પસંદ કરી વાવેતર કર્યું છે. ગોબરમાંથી રૂમો બનાવાયા જે ઉનાળામાં એસીની ગરજ સારે છે
અહીંયા ગ્રામજનો અને ગામની મહિલાઓ દ્વારા ગાયના ગોબરમાંથી લીંપીને છ રૂમો બનાવવામાં આવ્યા છે, જે પણ આકરા ઉનાળામાં એસીની ગરજ સારે છે, અને લોકો અહીંયા આ જગ્યામાં લીલોતરી વચ્ચે ગાયના ગોબરમાંથી બનાવેલા રૂમમાં બપોરે આરામ કર્યા બાદ આગળ એમની મુસાફરી કરે છે. વૃક્ષોના ઉછેર માટે ખેત તલાવડી બનાવાઈ છે
આ અંગે ગવાણા ગામના સરપંચ પુનાજી તસાજીએ જણાવ્યું હતું કે, અમારા ગ્રામ પંચાયત હસ્તકની 67 વીઘા જમીન વૃક્ષ ઉછેર માટે સંસ્થાને આપી છે અહીંયા વનીકરણ ખુબ સરસ બન્યું છે. આ સંસ્થા ખુબ જ સારુ પર્યાવરણનું કામ કરી રહી છે. પંચાયત એમને સહકાર આપી રહી છે. આ વૃક્ષોને પાણી મળી રહે તે માટે ખેત તલાવડી બનાવવામાં આવી છે. એની બાજુમાં તળાવ પણ છે. અને બાકીનું પાણી ખૂટે તો નર્મદા કેનાલ ચાલુ હોય ત્યારે ઉનાળામાં ત્યાંથી પણ પાણી લઈએ છીએ. વૃક્ષો વચ્ચે પાણી છૂટું જ મૂકી દેવામાં આવે છે. બપોરના સમયે આરામ કરવા માટે આ બેસ્ટ જગ્યા
આ અંગે ગવાણા ગામના આગેવાન પચાણ સિંધવે જણાવ્યું હતું કે, આ હરિયાળી જગ્યાની ખાસિયત એ છે કે, અહિં અડીને જ મહેસાણાનો નેશનલ હાઈવે પસાર થાય છે. જેથી મુસાફરી કરતા લોકો પણ બપોરના સમયે કાળઝાળ ગરમીમાં અહિં આરામ કરવાનું પસંદ કરે છે. આ જગ્યાની બાજુમાં જ ક્રિકેટનું વિશાળ મેદાન આવેલું છે. આજુબાજુના ગામના યુવાનો સાંજે 4થી 6 અહીંયા ક્રિકેટ રમવા આવે છે. નાના-નાના પક્ષીઓ પણ અહિં આવે છે. હિંસક પ્રાણીઓથી બચવા સસલા જેવા નાના પ્રાણીઓ અમારા વનીકરણમાં પ્રવેશ કરે છે જેથી એમનો જીવ પણ બચી જાય છે, એટલે જીવદયાના ભાગરૂપે જૈન સાથે સંકળાયેલા છીએ, એમાં અમને ખુબ પ્રોત્સાહન મળે છે. 67 વિઘા જમીન 15 વર્ષ માટે વૃક્ષ ઉછેરવા આપી
સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત ગવાણા ગ્રામજનોના સહયોગથી ગ્રામ પંચાયત હસ્તકની 67 વિઘા જમીન 15 વર્ષ માટે વૃક્ષ ઉછેરવા 'દર્શક ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ-પાટડી'ને આપવામાં આવી છે. જેમાં વૃક્ષોનાં ઉછેર કરવાની સાથે મહીલાઓને સ્વ.રોજગાર મળી રહે તે માટે તાલિમ આપવાનું શરૂ કર્યુ છે. જેમાં રણની ઉજ્જડ અને બંજર જમીનમાં 7,300 વૃક્ષોનું સફળતા પુર્વક વાવેતર કર્યુ છે. -------- આ પણ વાંચો જામનગરના વિઠ્ઠલભાઈએ પથરાળ ડુંગર પર 25,000 વૃક્ષ ઉછેર્યા, 22 વર્ષની મહેનતથી સૂકા વિસ્તારને હરિયાળો બનાવ્યો જામનગરના 58 વર્ષીય પર્યાવરણ પ્રેમી વિઠ્ઠલભાઈ મુંગરાએ એક અનોખું કાર્ય કર્યું છે. તેમણે જામનગર નજીક ઠેબા ગામ પાસે આવેલા સૂકાભઠ્ઠ 'બે ભાઈના ડુંગર' વિસ્તારને પોતાની 22 વર્ષની અથાક મહેનતથી 25,000 વૃક્ષથી ભરપૂર સઘન વનમાં ફેરવી નાખ્યો છે. આજે આશરે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ગીચ હરિયાળી અને પક્ષીઓનો કલરવ જોવા મળે છે. સંપૂર્ણ અહેવાલ વાંચો….
Read Original Article →