સુરેન્દ્રનગર વોર્ડ 2 માં સફાઈ અભિયાન:અક્ષર પાર્ક ખાતે પ્લાસ્ટિક કલેક્શન સાથે સ્વચ્છતાનો સંદેશ

Gujarat6/8/2026, 10:28:14 AM
સુરેન્દ્રનગર વોર્ડ 2 માં સફાઈ અભિયાન:અક્ષર પાર્ક ખાતે પ્લાસ્ટિક કલેક્શન સાથે સ્વચ્છતાનો સંદેશ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨ માં આવેલા અક્ષર પાર્ક ખાતે શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના સંકલ્પ સાથે એક વિશેષ સફાઈ ઝુંબેશ અને પ્લાસ્ટિક કલેક્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિસ્તારના માર્ગો અને જાહેર જગ્યાઓ પરથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. પર્યાવરણને નુકસાનકર્તા સિંગલ-યુઝ પ્લાસ્ટિકને એકત્રિત કરીને પ્લાસ્ટિક મુક્ત વોર્ડ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય અને જનજાગૃતિ અભિયાનમાં વોર્ડ નંબર-૨ ના સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાની ટીમ ઉત્સાહભેર જોડાઈ હતી. જેમાં કોર્પોરેટર જયદીપસિંહ ઝાલા, પ્રીતિબેન સોલંકી, હંસાબેન વસવેલીયા, વોર્ડ સંયોજક રવિરાજસિંહ પરમાર અને સેનિટેશન વિભાગના સબ સેનેટરી ઇન્સ્પેક્ટર યશ શાહનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવો અને મહાનગરપાલિકાની સેનિટેશન ટીમે પ્રત્યક્ષ શ્રમદાન કરીને સ્થાનિક રહીશોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. સબ સેનેટરી ઇન્સ્પેક્ટર યશ શાહના માર્ગદર્શન હેઠળ સફાઈ કામદારો દ્વારા સમગ્ર અક્ષર પાર્ક વિસ્તારને સ્વચ્છતાના ધોરણો મુજબ સાફ કરવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકાની આ કામગીરીને બિરદાવી હતી અને આગામી દિવસોમાં પણ આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
Read Original Article →