સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક, કલેક્ટરની હાજરીમાં વૃક્ષારોપણ:પર્યાવરણ જાગૃતિ માટે 'વૃક્ષરથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર અને થાનગઢમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. સામાજિક વનીકરણ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સુરક્ષા પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે નાગરિકોને પર્યાવરણ પ્રત્યે ગંભીર બનવા, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર-જતન કરવાની અપીલ કરી હતી. પર્યાવરણ પ્રત્યે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ઘરઆંગણે સરળતાથી રોપાઓ મળી રહે તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 'વૃક્ષરથ' તૈયાર કરાયો હતો. નાયબ મુખ્ય દંડક, કલેક્ટર અને અન્ય મહાનુભાવોએ આ 'વૃક્ષરથ'ને લીલી ઝંડી આપી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોપા વિતરણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણને હરિયાળું બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.
Read Original Article →