સુરેન્દ્રનગર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 13 હજારનો દંડ:5 વાહનો ડિટેઇન, નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા બે દિવસીય ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન, એ ડિવિઝન પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી, જેમાં કુલ ₹13,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ મથકના H.S. જાડેજાના માર્ગદર્શન હેઠળ, સિટી પોલીસ સ્ટાફ દ્વારા આ કડક ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો, ખોટી નંબર પ્લેટ, સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ કરતા કાર ચાલકો, ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા અને હેલ્મેટ વગરના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાયસન્સ વગર, આરસી બુક વગર, વીમા વગરના વાહનો અને LAD લાઇટ લગાવેલા વાહનચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે અનેક કેસ નોંધીને નિયમભંગ કરનારા વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ જિલ્લા પંચાયત અને દુધરેજ કેનાલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવી હતી. મોટર વાહન અધિનિયમ (M.V. ACT)ની કલમ 207 હેઠળ નિયમભંગ કરનારા 5 વાહનોને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ ટીમે તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં પણ આવી કડક ડ્રાઈવ ચાલુ રાખવાની ચેતવણી આપી હતી.
Read Original Article →