સુરેન્દ્રનગર ચોરીનો ભેદ ઉકેલાયો, બે મહિલા ઝડપાઈ:મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની સભ્યો મહારાષ્ટ્રના ધુલેથી પકડાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની બે મહિલા સભ્યોને મહારાષ્ટ્રના ધુલે ખાતેથી ઝડપી પાડી છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,84,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ચોરીના ગુનાઓ ઉકેલવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગરના રિલાયન્સ ટ્રેન્ડ્ઝ પાસે આવેલી બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા ફરિયાદીની નજર ચૂકવી બે અજાણી મહિલાઓએ ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલાઓ હાલ મહારાષ્ટ્રના ધુલે ખાતે હતી. પોલીસે ત્યાં તપાસ કરી બે શંકાસ્પદ મહિલાઓને સુરેન્દ્રનગર લાવી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી ચોરી કરેલા 1,64,000 રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 1,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે તેમને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પકડાયેલ મહિલાઓમાં લલિતાબેન વા/ઓ સાકા ભારત સિસોદિયા અને બબલી વા/ઓ પ્રતાપ માતાદી સિસોદિયાનો સમાવેશ થાય છે, જે બંને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ગુલખેડી અને કડિયા સાસી ગામના રહેવાસી છે. આ ગુનામાં લલતાબેન ઉર્ફે મલકા ભારત સિસોદિયા અને સાકા ભારત સિસોદિયા નામના અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. લલિતાબેન સાકા સિસોદિયાનો ગુનાહિત ઇતિહાસ દિલ્હીના નજફગઢ અને સાઉથ દિલ્હીના કે.એમ.પુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. જ્યારે બબલી પ્રતાપ સિસોદિયાનો ગુનાહિત ઇતિહાસ મધ્યપ્રદેશના ઇદ્રગંજ ગ્વાલિયર, અગરમાલવા પોલીસ સ્ટેશન અને ઉત્તર પ્રદેશના વારાણસી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે.
Read Original Article →