સુરેન્દ્રનગરના શિક્ષકો માટે 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક':તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાના એવોર્ડ માટે અરજીઓ આમંત્રિત

Gujarat5/15/2026, 10:07:05 AM
સુરેન્દ્રનગરના શિક્ષકો માટે 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક':તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાના એવોર્ડ માટે અરજીઓ આમંત્રિત
સુરેન્દ્રનગર જિલ્લાના લાયકાત ધરાવતા શિક્ષકો માટે વર્ષ 2026-27ના 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક શિક્ષકો 15 જૂન, 2026 સુધીમાં અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સમાજ ઘડતરમાં શિક્ષકોની અગત્યની અને પ્રેરણાદાયી ભૂમિકાને બિરદાવવા આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. સરકારી, અનુદાનિત અને બિનઅનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે પોતાની દરખાસ્ત રજૂ કરી શકશે. ઉમેદવારોએ નિયત નમૂનામાં તમામ જરૂરી પુરાવાઓ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ અરજી કરવાની રહેશે. રાજ્ય કક્ષાના પારિતોષિક માટે સરકારી, બિનસરકારી અને અનુદાનિત પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકો પાત્ર બનશે. તાલુકા કક્ષાએ બે પારિતોષિકો આપવામાં આવશે, જે ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જ છે. આ પુરસ્કાર માટે લઘુતમ શૈક્ષણિક સેવા અનુભવ પાંચ વર્ષનો હોવો ફરજિયાત છે. જિલ્લા કક્ષાએ કુલ ચાર પારિતોષિકો એનાયત કરાશે. જેમાં બે પારિતોષિક પ્રાથમિક શાળાના શિક્ષકો માટે, એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે, જ્યારે એક પુરસ્કાર સી.આર.સી. (CRC) / બી.આર.સી. (BRC) / કેળવણી નિરીક્ષક / એચ-ટાટ (H-TAT) આચાર્ય કે તેમના સમકક્ષ કેટેગરી પૈકી ગમે તે એક માટે રહેશે. જિલ્લા કક્ષાના પારિતોષિક માટે લઘુતમ શૈક્ષણિક સેવા અનુભવ દસ વર્ષનો રહેશે. જે શિક્ષકો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ' મેળવવા ઈચ્છતા હોય, તેઓએ 15 જૂન, 2026 સુધીમાં નિયત અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરી, જરૂરી પ્રમાણપત્રો, સેવા અનુભવના આધાર, સિદ્ધિઓ તથા સંબંધિત અધિકારીના સહી-સિક્કા સાથે બે નકલમાં પોતાની અરજી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સેવા સદન-3, બ્લોક-એ, રૂમ નં. 108, સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવાની રહેશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
Read Original Article →