ચાલુ બસે ડ્રાઈવરને હીટસ્ટ્રોક, મુસાફરોનો આબાદ બચાવ:સુરેન્દ્રનગર ST ડેપોના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગર ST ડેપોની બસના ડ્રાઈવર રામદેવસિંહ પરમારનું ચાલુ બસે હીટસ્ટ્રોક લાગતા સારવાર દરમિયાન મોત થયું છે. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને રોડની સાઈડમાં ઊભી રાખી દેતા બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના સુરેન્દ્રનગર-રાવળીયાવદર રૂટની બસ રાજ સીતાપુર નજીક પહોંચી ત્યારે બની હતી. વધુ તાપમાન અને કાળઝાળ ગરમીના કારણે ડ્રાઈવર રામદેવસિંહ પરમારને હીટસ્ટ્રોક આવ્યો હતો. ગંભીર સ્થિતિ હોવા છતાં, તેમણે બસને સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી હતી. ડ્રાઈવરની તબિયત અચાનક બગડતા મુસાફરો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ST વિભાગને આ ઘટનાની જાણ થતા અધિકારીઓએ વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ બસમાં સવાર મુસાફરોને અન્ય ST બસ મારફતે રાવળીયાવદર તરફ રવાના કરવામાં આવ્યા હતા. મુસાફરોએ ડ્રાઈવરની સમયસૂચકતાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જો ડ્રાઈવરે બસને સમયસર સાઈડમાં ઊભી ન રાખી હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે અને લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સતત લાંબા રૂટ પર ફરજ બજાવતા ડ્રાઈવરો, મજૂરો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે.
Read Original Article →