ડ્રાઈવર વગરની બસ રિવર્સમાં દોડી:સુરેન્દ્રનગર ડેપોમાં મોટી દુર્ઘટના ટળી
સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં ડ્રાઈવરની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરો વિનાની એક એસ.ટી. બસ ઢાળ પરથી પાછળની તરફ સરકીને મુખ્ય માર્ગ પર આવી પહોંચી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના આજે સુરેન્દ્રનગર એસ.ટી. બસ ડેપો ખાતે બની હતી. સુરત-સુરેન્દ્રનગર રૂટની આ બસ સુરતથી મુસાફરો ભરીને પરત આવી હતી. મુસાફરોને ઉતાર્યા બાદ બસને પાર્સલ વિભાગ સામે ખાલી કરીને ઊભી રાખવામાં આવી હતી. બસ ઊભી રાખ્યા બાદ ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવ્યા કે બસને યોગ્ય રીતે લોક કર્યા વિના જ શૌચાલય જવા નીકળી ગયો હતો. આ બેદરકારીના કારણે બસ અચાનક સ્ટેશનના ઢાળ પરથી પાછળની તરફ સરકવા લાગી અને મુખ્ય રોડ તરફ ધસી ગઈ. અંદાજે 50 ફૂટ જેટલી પાછળ સરકેલી આ બસ મુખ્ય રોડ પરથી પસાર થતી એક રિક્ષા અને રોડ ડિવાઈડર પરના સીસીટીવી પોલ સાથે ભટકાઈને ઊભી રહી ગઈ હતી. આ અથડામણમાં સીસીટીવી પોલ જમીનદોસ્ત થયો હતો અને રિક્ષાને પણ સામાન્ય નુકસાન થયું હતું. સદનસીબે, બસનું સ્ટેરિંગ જાતે જ વળી જતાં તે ડિવાઈડર કૂદીને સામેની દીવાલે ભટકાતા અટકી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. સુરેન્દ્રનગરના ડેપો મેનેજર ડી.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બસ તદ્દન નવી છે અને એન્જિન સહિતની તમામ બાબતોમાં બિલકુલ યોગ્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના ફક્ત ડ્રાઈવરની બેદરકારીના કારણે જ બની છે. આ મામલે વિભાગીય સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જવાબદાર ડ્રાઈવર સામે ખાતાકીય તેમજ બદલી સહિતના કડક પગલાં લેવામાં આવશે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે, જેમાં લોકો બસને રિવર્સ આવતી જોઈ પોતાનો જીવ બચાવતા નજરે પડે છે.
Read Original Article →