સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

Gujarat4/8/2026, 7:13:11 AM
સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી
સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મસાલાની સિઝન દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે વિભાગની ટીમે લાયસન્સ વિના કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડા પાડી 45 શંકાસ્પદ નમૂના જપ્ત કર્યા હતા. આ નમૂનાઓને તપાસ અર્થે ભુજની લેબમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે રિવરફ્રન્ટ રોડ, 80 ફૂટ રોડ અને દૂધરેજ રોડ પર આવેલી મસાલાની પેઢીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ઘણી પેઢીઓ FSSAI લાયસન્સ વિના જ સિઝનલ વેપાર કરતી હોવાનું જણાયું હતું. ટીમે ધાણાજીરું, મરચાં, હળદર, રાઈ, હીંગ અને જીરું સહિતના વિવિધ મસાલાના નમૂના લીધા હતા. વિભાગ દ્વારા તમામ પેઢીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી એક અઠવાડિયામાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરે અને નિયમ મુજબ સ્વચ્છતા જાળવે. જો આ સૂચનાનું પાલન નહીં થાય, તો સંબંધિત પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને દુકાનો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન કુલ 38 ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં લસ્સી, મઠ્ઠો, પનીર ટીકા અને વિવિધ મસાલાનો સમાવેશ થાય છે. અગાઉ લેવાયેલા 10 સેમ્પલોના રિપોર્ટમાં એક 'સેવ-ફરસાણ'નો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →