સુરેન્દ્રનગરમાં 443 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી:SP પ્રેમસુખ ડેલુએ એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીની બદલી કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં વધારો કરવાના હેતુથી જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, શાખાઓ અને આઉટપોસ્ટ ખાતે ફરજ બજાવતા કુલ 443 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI), હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. તમામ બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે. આંતરિક બદલીઓનો મુખ્ય હેતુ વહીવટી અનુકૂળતા ઊભી કરવાનો, લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા કર્મચારીઓની ફેરબદલી કરવાનો અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ ચુસ્ત બનાવવાનો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ અંગે જણાવ્યું હતું કે, "આ બદલીઓ સંપૂર્ણપણે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને પ્રજાની સુરક્ષા વ્યવસ્થાને વધુ લોકાભિમુખ બનાવવા માટે આ આંતરિક ફેરફાર જરૂરી હતો. તમામ કર્મચારીઓ નવી જગ્યાએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવશે તેવી અપેક્ષા છે." લાંબા સમય બાદ સુરેન્દ્રનગર પોલીસ બેડામાં આટલી મોટી સંખ્યામાં સામૂહિક બદલીઓ થતાં સમગ્ર જિલ્લાના પોલીસ તંત્રમાં હલચલ જોવા મળી છે. આ ફેરબદલથી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ સકારાત્મક પરિણામો જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Read Original Article →