ધ્રાંગધ્રામાં 54,200નો ગાંજો ઝડપાયો:SOG સુરેન્દ્રનગરે એક આરોપીને પકડ્યો, બીજો ફરાર
સુરેન્દ્રનગર SOG ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રાના અલ મદીના મસ્જિદ પાસે, ખાટકી વાસ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબી (ઉંમર 38)ના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી યાસીનભાઈની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિત SOGના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Read Original Article →