સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન:જાહેર માર્ગો પર કચરો ફેંકવા બદલ 6 દુકાનદારોને નોટિસ

Gujarat6/8/2026, 4:02:50 PM
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન:જાહેર માર્ગો પર કચરો ફેંકવા બદલ 6 દુકાનદારોને નોટિસ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને રોગમુક્ત રાખવા માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. મ્યુનિસિપલ એક્ટ હેઠળ જાહેર માર્ગો પર કચરો ફેંકનારા અને ગંદકી કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, શહેરના ટીબી હોસ્પિટલ સામે આવેલા ગમારા કોમ્પ્લેક્સના 6 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. આ દુકાનદારોમાં સોની નાસ્તા હાઉસ, મહાકાળી લોજ, અષ્ટ વિનાયક દળ પકવાન, વિશાલભાઈ ચાઈનીઝ વાળા, જય મોગલ પાવભાજી અને અન્નપૂર્ણા લોજનો સમાવેશ થાય છે. આ તમામ દુકાનદારો જાહેરમાં કચરો ફેંકતા ઝડપાયા હતા, જેના પગલે તેમને મ્યુનિસિપલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરી નોટિસ આપવામાં આવી છે. સેનિટેશન અને આરોગ્ય વિભાગની ટીમે કરેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક વેપારીઓ પોતાની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખવાને બદલે અથવા નિયત સમયે સફાઈ કર્મચારીને આપવાને બદલે સીધો જાહેર રોડ-રસ્તા પર ફેંકી રહ્યા છે. આવી ગેરજવાબદાર પ્રવૃત્તિઓથી શહેરની સુંદરતા જોખમાય છે અને ચોમાસાની ઋતુ નજીક હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે. મહાનગરપાલિકા કમિશનરે આ અંગે કડક સંદેશ આપતા જણાવ્યું હતું કે, "શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિક અને વેપારીની સામૂહિક જવાબદારી છે. જે દુકાનદારો જાહેર માર્ગો પર ગંદકી કરશે તેમની સામે આગામી દિવસોમાં આનાથી પણ વધુ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અને ભારે દંડ વસૂલવામાં આવશે." સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નગરજનો અને વેપારી મિત્રોને અપીલ કરે છે કે, તેઓ પોતાની દુકાન કે ઘરનો કચરો હંમેશા ડસ્ટબિનમાં જ એકઠો કરે અને કચરા ગાડીમાં જ તેનો નિકાલ કરે. ભવિષ્યમાં પણ જો કોઈ કચરો ફેંકતા કે ગંદકી કરતા પકડાશે, તો મ્યુનિસિપલ એક્ટ અંતર્ગત તેમની સામે કડક કાનૂની કાર્યવાહી ચાલુ જ રહેશે.
Read Original Article →