સુરેન્દ્રનગર શક્તિ માતાજી મંદિરનો 24મો પાટોત્સવ ઉજવાયો:ધજા આરોહણ, મહાઆરતી અને ગરબા યોજાયા; નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત

Gujarat5/21/2026, 3:34:12 PM
સુરેન્દ્રનગર શક્તિ માતાજી મંદિરનો 24મો પાટોત્સવ ઉજવાયો:ધજા આરોહણ, મહાઆરતી અને ગરબા યોજાયા; નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત
સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ વૈશાખ વદ તેરસ, બુધવારના રોજ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવ મહોત્સવની શરૂઆત પરોઢિયે મંગલા આરતી અને પરંપરાગત પ્રભાતફેરી સાથે થઈ હતી, જેનાથી સમગ્ર દાળમીલ રોડ વિસ્તાર ભક્તિમય બન્યો હતો. પ્રભાતફેરી બાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર માતાજીને નૂતન વાઘા અર્પણ કરાયા હતા અને મંદિરના શિખર પર ધજા આરોહણ કરવામાં આવ્યું હતું. ઉત્સવના ભાગરૂપે સાંજના સમયે મંદિર પરિસરમાં આવેલા શ્રી કામેશ્વર મહાદેવજી સમક્ષ દિપમાળા પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ શક્તિ માતાજીની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. રાત્રિના સમયે આદ્યશક્તિની આરાધના અર્થે આનંદના ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં જાણીતા ગાયક નયનભાઈ ઠાકર અને તેમની ટીમે ગરબાની પ્રસ્તુતિ કરી હતી. આ વર્ષના પાટોત્સવના તમામ ધાર્મિક કાર્યક્રમોના મુખ્ય યજમાન તરીકે હર શક્તિ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧ના નવનિર્વાચિત સદસ્ય ભગીરથસિંહ જશુભા ઝાલા (ગામ ભેચડા) ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની મહાઆરતી અને દર્શનના પાવન અવસરે ઝાલાવાડના અગ્રણી ચહેરાઓએ પણ વિશેષ હાજરી આપી હતી. હાજર રહેલા અગ્રણીઓમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉ. રુદ્રસિંહ ઝાલા અને મહાનગરપાલિકાના વોર્ડ નંબર-8ના નવનિર્વાચિત સદસ્ય અશોકસિંહ બકાલાલ લાલુભા પરમારનો સમાવેશ થાય છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવામાં શ્રી હર શક્તિ સેવા ટ્રસ્ટના તમામ સભ્યો, યુવાનો અને વડીલો દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા હતા.
Read Original Article →