સુરેન્દ્રનગરમાં 643 નવા વર્ગખંડો મંજૂર:સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શાળાઓનું આધુનિકરણ કરાશે; 478 વર્ગખંડોની કામગીરી પ્રગતિમાં

Gujarat6/3/2026, 11:54:21 AM
સુરેન્દ્રનગરમાં 643 નવા વર્ગખંડો મંજૂર:સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શાળાઓનું આધુનિકરણ કરાશે; 478 વર્ગખંડોની કામગીરી પ્રગતિમાં
રાજ્ય સરકારના ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના પ્રયાસોના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. જિલ્લામાં 'સ્કૂલ ઓફ એક્સલન્સ' યોજના હેઠળ કુલ 643 નવા વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા છે, જે શાળાઓના આધુનિકરણમાં મદદરૂપ થશે. આ કામગીરી દરેક બાળક શિક્ષિત થાય અને શાળાઓમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે હાથ ધરાઈ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા શાળાઓને જમીન ફાળવણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળી શકે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની 143 પ્રાથમિક શાળાઓમાં આ 643 વર્ગખંડો મંજૂર થયા છે. તેમાંથી 6 શાળાઓમાં 21 વર્ગખંડોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જ્યારે 102 શાળાઓમાં 478 વર્ગખંડોની કામગીરી પ્રગતિમાં છે અને અન્ય 35 શાળાઓમાં 144 વર્ગખંડોનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી 'સ્કૂલ ઓફ એક્સલન્સ' યોજના અંતર્ગત શાળાઓને સર્વાંગી રીતે આધુનિક કેમ્પસમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ બોર્ડ અને અત્યાધુનિક શૈક્ષણિક સાધનોથી સજ્જ કરાઈ રહી છે. આ સુવિધાઓના કારણે છેવાડાના ગામડાનું બાળક પણ શહેરી વિસ્તારોના બાળકોની જેમ સ્પર્ધાત્મક અને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી શકશે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ ઉત્તમ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં પુસ્તકીય જ્ઞાન ઉપરાંત શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવે છે. સરકારના આ પ્રયાસોથી સુરેન્દ્રનગર જિલ્લામાં ડ્રોપ-આઉટ રેશિયો નહિવત થયો છે અને શાળાઓમાં બાળકોની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પહેલથી આવનારી પેઢી શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનશે.
Read Original Article →