સુરેન્દ્રનગર વોર્ડ 9માં અશુદ્ધ પાણી વિતરણ સામે વિરોધ:પૂર્વ ચેરમેન રોહિત પટેલે કમિશનરને શુદ્ધ પાણી માટે રજૂઆત કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલા ખેરાળી અને માળોદ ગામોમાં અશુદ્ધ પાણીના વિતરણ સામે ટાઉન પ્લાનિંગ કમિટીના પૂર્વ ચેરમેન રોહિત પટેલે વિરોધ નોંધાવ્યો છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર પત્ર લખીને આ ગંભીર જળ-સમસ્યા અંગે રજૂઆત કરી છે. મહાનગરપાલિકા બન્યાને દોઢ વર્ષ વીતી ગયું હોવા છતાં, આ વિસ્તારોમાં કોઈ ફિલ્ટર પ્લાન્ટ કે અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. જેના કારણે શુદ્ધ પીવાના પાણીની અછત સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે રોહિત પટેલે કેટલીક મુખ્ય માંગણીઓ કરી છે. જેમાં કેનાલમાંથી સીધું પ્રદૂષિત પાણી વિતરણ કરવાનું તાત્કાલિક બંધ કરવું, બંને ગામોની વસ્તીને ધ્યાનમાં રાખીને નવી પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરવું, અને નવી પાણીની ટાંકી, આધુનિક સંપ તથા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું નિર્માણ સત્વરે શરૂ કરવું વગેરેનો સમાવેશ થાય છે. પૂર્વ ચેરમેન રોહિત પટેલે ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી નાગરિકોને ફિલ્ટર કરેલું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સમસ્ત જનતાને સાથે રાખીને મહાનગરપાલિકા કચેરી સામે ઉગ્ર ધરણાં, પ્રતીક ઉપવાસ અને જન-આંદોલન છેડવામાં આવશે. આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની રહેશે.
Read Original Article →