સુરેન્દ્રનગરમાં 'પબ્લિક હેલ્થ બાઇલૉઝ 2025' લાગુ:સ્વચ્છતા, જનસુખાકારી અને પર્યાવરણ સુરક્ષા માટે કડક નિયમો

Gujarat6/6/2026, 6:59:50 AM
સુરેન્દ્રનગરમાં 'પબ્લિક હેલ્થ બાઇલૉઝ 2025' લાગુ:સ્વચ્છતા, જનસુખાકારી અને પર્યાવરણ સુરક્ષા માટે કડક નિયમો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરની સ્વચ્છતા, જનસુખાકારી અને પર્યાવરણીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે "પબ્લિક હેલ્થ બાઇલૉઝ - 2025" (પેટા-કાયદાઓ) નો અમલ શરૂ કર્યો છે. આ કાયદા હેઠળ કચરાના ઉત્પત્તિ સ્થાનથી તેના અંતિમ નિકાલ સુધીની પ્રક્રિયા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો ભંગ કરનાર સામે કાનૂની અને દંડનીય કાર્યવાહી થશે. આ બાઇલૉઝ અંતર્ગત મ્યુનિસિપલ કચરાને ભીનો, સૂકો, બાયો-મેડિકલ, ઈ-કચરો, જોખમી ઘરગથ્થુ કચરો અને બાંધકામ (CD) કચરો એમ કુલ ૩૦ વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો માટે કચરાનું સ્ત્રોત પર જ અલગીકરણ ફરજિયાત બનાવાયું છે. ભીના કચરા માટે લીલા, સૂકા કચરા માટે સફેદ કે ભૂરા અને અન્ય કચરા માટે કાળા રંગના ડબ્બા રાખવા પડશે. સોસાયટીઓમાં 'સેનિટેશન કો-ઓર્ડિનેટર'ની નિમણૂક કરવી પડશે. જાહેર સ્થળો કે જળાશયોમાં કચરો ફેંકવા, ખુલ્લામાં કચરો બાળવા, ચાલુ વાહને રસ્તા પર થૂંકવા અને 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક કે થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલોએ બાયો-મેડિકલ વેસ્ટ નિયમોનું પાલન કરવું પડશે. ૨ ટનથી વધુ બાંધકામ (CD) કચરાના નિકાલ માટે કોર્પોરેશન પાસેથી નકશો મંજૂર કરાવી ના-વાંધા પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય રહેશે. નિયમોના પાલન માટે 'ઉપદ્રવ શોધક ટુકડી' (Nuisance Detection Squad) ને વિશેષ સત્તાઓ અપાઈ છે, જે સ્થળ પર જ દંડ વસૂલશે. દંડ ભરવાનો ઇનકાર કરનારની સીપીસી (CPC) અને ગુજરાત પોલીસ ધારા હેઠળ અટકાયત થઈ શકે છે, અને વારંવાર ગુનો કરનારની મિલકત સીલ પણ થઈ શકે છે.
Read Original Article →