અધિક મુખ્ય સચિવની વીસી બાદ સુરેન્દ્રનગર તંત્ર એક્શનમાં:પ્રિ-મોન્સુન, સ્વ-વસ્તી ગણતરી અને સુગમ પોર્ટલની કામગીરીની સમીક્ષા કરાઈ

Gujarat5/21/2026, 6:00:28 AM
અધિક મુખ્ય સચિવની વીસી બાદ સુરેન્દ્રનગર તંત્ર એક્શનમાં:પ્રિ-મોન્સુન, સ્વ-વસ્તી ગણતરી અને સુગમ પોર્ટલની કામગીરીની સમીક્ષા કરાઈ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સના દિશાનિર્દેશો બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કામગીરી અંગે જરૂરી સૂચનો અપાયા હતા. આ સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યત્વે ત્રણ મહત્વના મુદ્દાઓ પર સઘન ચર્ચા અને વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રથમ મુદ્દો પ્રિ-મોન્સુન (ચોમાસા પૂર્વેની) કામગીરીનો હતો. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ કામગીરી સમયસર પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. જેમાં નીચાણવાળા વિસ્તારોની ઓળખ, આશ્રયસ્થાનોની ચકાસણી, આપત્તિ વ્યવસ્થાપન પ્લાનને આખરી ઓપ આપવો અને કંટ્રોલ રૂમને કાર્યરત કરવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજો મુદ્દો સ્વ-વસ્તી ગણતરી (Self-Enumeration) સંબંધિત હતો. સરકારની આ મહત્વકાંક્ષી કામગીરી યોગ્ય રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ અધિકારીઓને ગ્રામ્ય અને શહેરી સ્તરે સઘન મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે. ત્રીજો મુદ્દો સુગમ પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓના નિકાલનો હતો. નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલા 'સુગમ પોર્ટલ' પર પડતર રહેલી વિવિધ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવીને આ તમામ અરજીઓનો સત્વરે અને સકારાત્મક નિકાલ કરવા પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં કલેકટર જી.એચ. સોલંકી, નિવાસી કલેકટર કે. આર. પટેલ અને જિલ્લા કક્ષાના અન્ય ઉચ્ચ અધિકારીઓ જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →