સુરેન્દ્રનગર પોલીસે મહિલાના ₹2 લાખના દાગીના પરત અપાવ્યા:₹73,000 સામે ગીરવે મૂકેલા દાગીના વ્યાજખોર પાસેથી પાછા મળ્યા
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે એક મહિલાને વ્યાજખોરના ચુંગાલમાંથી મુક્ત કરાવી તેના સોના-ચાંદીના દાગીના પરત અપાવ્યા છે. આ દાગીનાની અંદાજિત કિંમત ₹1.50 લાખથી ₹2 લાખ હતી, જે ₹73,000ની લોન સામે ગીરવે મૂકવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના કિંજલબેન શાંતિભાઈ નડીયાપરાએ આશરે ચાર વર્ષ પહેલાં પતિની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં દાગીના ગીરવે મૂક્યા હતા. તેમણે આશરે 5 થી 6 તોલા સોનું અને 250 ગ્રામ ચાંદીના દાગીના, જેની અંદાજિત કિંમત ₹1.50 લાખથી ₹2 લાખ હતી, તે ₹73,000માં ગીરવે રાખ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં અને નિયમ મુજબ નાણાં ચૂકવ્યા હોવા છતાં, વ્યાજખોર દાગીના પરત આપતો ન હતો. આ કારણે કિંજલબેન વ્યાજખોરીના આ ચુંગાલમાંથી બહાર નીકળી શકતા ન હતા. આ મામલે કિંજલબેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ (IPS) ને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. જે બાદ ગણતરીના દિવસોમાં જ પોલીસે કિંજલબેનના સોના-ચાંદીના તમામ દાગીના સહીસલામત પરત અપાવ્યા. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે વ્યાજ પેટે ચૂકવવાની થતી રકમ પણ માફ કરાવવામાં આવી, જેનાથી મહિલાને આર્થિક અને માનસિક રાહત મળી. કિંજલબેન અને તેમના પરિવારના સભ્યોએ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવીને પરત મળેલા દાગીના સ્વીકાર્યા. તેમણે પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.
Read Original Article →