સુરેન્દ્રનગર પોલીસે મહિલાના 17 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા:SP ડેલુના માર્ગદર્શન હેઠળ સીટી એ-ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસે એક મહિલાને તેના ગીરવે મુકેલા આશરે 17 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા છે. આણંદના બેડવા ગામના રહેવાસી કિરણબેને વર્ષ 2020માં મકાન બનાવવા માટે સુરેન્દ્રનગરના મયુરધ્વજસિંહ હરુભા પરમાર પાસે આ દાગીના ગીરવે મૂક્યા હતા. જેમાં સોનાની લક્કી, મંગળસૂત્ર, હાર, વીંટી અને ટીકોનો સમાવેશ થતો હતો. કિરણબેન ગીરવે મુકેલી રકમ પરત ચૂકવવા તૈયાર હોવા છતાં, મયુરધ્વજસિંહ પરમાર દ્વારા દાગીના પરત આપવામાં આવતા ન હતા. આથી, કિરણબેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એ-ડિવિઝન પોલીસે ત્વરિત પગલાં ભરીને બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ, મયુરધ્વજસિંહ પરમારે કિરણબેનના આશરે 17 તોલા સોનાના દાગીના સહીસલામત પરત કર્યા હતા. આ રીતે, પોલીસે અરજદાર મહિલાને કાયદેસરનો ન્યાય અપાવ્યો છે. પોલીસ તંત્રની આ ઝડપી અને પારદર્શક કામગીરીથી સંતુષ્ટ થઈને અરજદાર કિરણબેને જિલ્લા પોલીસ વડા અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ નાગરિકોની સુરક્ષા અને તેમના હકોની રક્ષા માટે કટિબદ્ધ છે.
Read Original Article →