સુરેન્દ્રનગરમાં "નેત્રમ" અભિયાનથી ખોવાયેલો સામાન પરત મળ્યો:સીસીટીવીની મદદથી બે અરજદારોને તેમની કિંમતી ચીજવસ્તુઓ મળી
સુરેન્દ્રનગર પોલીસે "નેત્રમ" પ્રોજેક્ટ હેઠળ "તેરા તુજકો અર્પણ" અભિયાન ચલાવી ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતાની સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, પર્સ જેવી ખોવાયેલી કે ગુમ થયેલી વસ્તુઓને સીસીટીવીની મદદથી શોધીને પરત કરવાનો છે. તાજેતરમાં, 7 એપ્રિલ, 2026ના રોજ, સુરેન્દ્રનગરના ફીરદોષ સોસાયટીના રહેવાસી જૈમિનિબેન દુદાભાઈ પતરાવાળી ચોક પાસેથી રિક્ષામાં બેઠા હતા અને તેમનો રૂ. 4,000નો સામાન ભરેલો બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. તેમણે "નેત્રમ" ખાતે જાણ કરતા, સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા નંબર GJ-23-AU-3996 ઓળખી કાઢવામાં આવ્યો. પોલીસે રિક્ષાચાલકનો સંપર્ક કરીને જૈમિનિબેનનો બેગ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી તેમને પરત કર્યો. આ કામગીરી પ્રશંસનીય રહી હતી. આ ઉપરાંત, 3 એપ્રિલ, 2026ના રોજ, સનફ્લાવર સ્કૂલ પાસેના રહેવાસી જીતુભાઇ જવાનજી ઠાકોર પણ સનફ્લાવર સ્કૂલ પાસેથી રિક્ષામાં બેઠા હતા અને તેમનો સામાન ભરેલો બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. તેમણે પણ "નેત્રમ" ખાતે જાણ કરી હતી. "નેત્રમ"ના સીસીટીવી કેમેરાની મદદથી તે જ રિક્ષા નંબર GJ-23-AU-3996 ઓળખી કાઢવામાં આવ્યો. રિક્ષાચાલકનો સંપર્ક કરીને જીતુભાઇ ઠાકોરનો બેગ પણ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી તેમને પરત કરવામાં આવ્યો. આ સમગ્ર કામગીરી સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ અને "નેત્રમ"ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી કરવામાં આવી હતી.
Read Original Article →