જોરાવરનગરમાં ગેરકાયદેસર બેટરીનો મોટો જથ્થો જપ્ત:સ્ક્રેપ દુકાનદાર પાસેથી 154 બેટરી, ₹2.37 લાખનો મુદ્દામાલ મળ્યો

Gujarat5/22/2026, 11:20:28 AM
જોરાવરનગરમાં ગેરકાયદેસર બેટરીનો મોટો જથ્થો જપ્ત:સ્ક્રેપ દુકાનદાર પાસેથી 154 બેટરી, ₹2.37 લાખનો મુદ્દામાલ મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે જોરાવરનગરમાં ગેરકાયદેસર બેટરીના વેપાર પર કાર્યવાહી કરી છે. ગોવર્ધન મેટલ્સ નામની સ્ક્રેપની દુકાનમાંથી 154 બેટરીઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત ₹2.37 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ અને એએસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનને ગેરકાયદેસર રીતે ચોરી કે છેતરપિંડીથી મેળવેલો માલ વેચતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મદદનીશ પોલીસ અધિક્ષક કરનકુમાર પન્નાની સૂચના મુજબ જોરાવરનગર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોરાવરનગર શેરી નં. 8માં આવેલી ગોવર્ધન મેટલ્સ નામની સ્ક્રેપની દુકાનમાં ગેરકાયદેસર રીતે મેળવેલી વાહનોની બેટરીઓ રાખવામાં આવી છે. આ બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, દુકાનદાર ભાવિનભાઈ પ્રફુલભાઈ દંગી (ઉં.વ. 39, રહે. જોરાવરનગર) હાજર મળ્યા હતા. પોલીસે તેમની સાથે દુકાનમાં તપાસ કરતા અલગ-અલગ કંપનીઓની નાની-મોટી વાહનો અને ઇન્વર્ટરની બેટરીઓ મળી આવી હતી. ભાવિનભાઈ દંગી આ બેટરીઓ સંબંધિત કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા અને ગલ્લાંતલ્લાં કરતા હતા. આ બેટરીઓ ચોરી કે છેતરપિંડીથી મેળવેલી હોવાની શંકાના આધારે, પોલીસે કુલ 154 બેટરીઓ, જેનું વજન 2013 કિલો અને અંદાજિત કિંમત ₹2,37,534/- છે, તેને BNSS કલમ 106 હેઠળ તપાસ અર્થે કબજે કરી છે. પોલીસે ભાવિનભાઈ દંગીની BNSS કલમ 35(1)(E) હેઠળ ધરપકડ કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →