એમ.પી. શાહ કોલેજના NCC કેડેટ્સે આર્મી કેમ્પમાં કૌવત દાખવ્યું:10 દિવસીય કેમ્પમાં સાયબર સુરક્ષા, ડ્રોન ટેક્નોલોજી, ફાયર ફાઇટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

Gujarat5/21/2026, 12:17:30 PM
એમ.પી. શાહ કોલેજના NCC કેડેટ્સે આર્મી કેમ્પમાં કૌવત દાખવ્યું:10 દિવસીય કેમ્પમાં સાયબર સુરક્ષા, ડ્રોન ટેક્નોલોજી, ફાયર ફાઇટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના કેડેટ્સે 9 થી 18 મે દરમિયાન યોજાયેલા કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. આ 10 દિવસીય આર્મી કેમ્પમાં કેડેટ્સે સખત લશ્કરી તાલીમ મેળવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ કેમ્પમાં કેડેટ્સને પરંપરાગત સૈન્ય તાલીમ ઉપરાંત આધુનિક વિષયોનું પ્રશિક્ષણ અપાયું હતું. જેમાં સાયબર સુરક્ષા, ડ્રોન સિસ્ટમનું સંચાલન અને ફાયર સેફ્ટીની પ્રાયોગિક તાલીમનો સમાવેશ થાય છે. ડિજિટલ યુગમાં દેશની આંતરિક સુરક્ષા અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવાની તકનીકો વિશે કેડેટ્સને માહિતગાર કરાયા હતા. સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારી ડ્રોન સિસ્ટમ અને તેના સંચાલન અંગે કેડેટ્સે જીણવટભરી માહિતી મેળવી હતી. આકસ્મિક આગ કે આપત્તિના સમયે બચાવ કામગીરી અને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. કઠિન સૈન્ય તાલીમની સાથે-સાથે કેડેટ્સે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈને પોતાની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા કેડેટ્સમાં સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યનિષ્ઠાના ગુણોનું સિંચન કરવાનો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન 26 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નીરજ સુદ (શૌર્ય ચક્ર), લેફ્ટેનન્ટ કર્નલ પ્રેમચંદ અને સુબેદાર મેજર સોનમ તારગાઇસના કુશળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. એમ. પી. શાહ કોલેજના આચાર્ય ડૉ. અમિતકુમાર મિશ્રાની પ્રેરણા અને એસોસિએટ એનસીસી ઓફિસર લેફ્ટેનન્ટ ડૉ. પરાશર વ્યાસનું માર્ગદર્શન કેડેટ્સ માટે કિંમતી સાબિત થયું હતું.
Read Original Article →