નાના અંકેવાળીયામાં ખેડૂત રાત્રી સભા યોજાઈ:ખરીફ ઋતુ પૂર્વે પ્રાકૃતિક કૃષિ અપનાવવા આત્મા પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન અપાયું
ખરીફ ઋતુ નજીક આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાક વાવેતરના આયોજનમાં વ્યસ્ત છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ખર્ચાળ તથા નુકસાનકારક ઉપયોગથી દૂર રહી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે 'ખેડૂત રાત્રી સભા'નું આયોજન કરાયું હતું. આ સભામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ બાયો ઇનપુટ વિશે વિસ્તૃત અને પ્રાયોગિક જાણકારી અપાઈ હતી. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલે સભા દરમિયાન ખેડૂતોને પરંપરાગત છાણીયું ખાતર અને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધાર સમાન 'ઘન જીવામૃત' વચ્ચેનો ગુણવત્તાનો તફાવત ઉદાહરણો સાથે સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેડૂતો પોતાના ઘર આંગણે ઉપલબ્ધ સાધનોથી સરળતાથી ઘન જીવામૃત બનાવી તેનો ખેતીમાં ઉપયોગ કરે તો જમીનમાં વર્ષોથી રહેલા પોષક તત્વો પાકને સરળતાથી ઉપલબ્ધ બને છે. વધુમાં માર્ગદર્શન આપતા જણાવાયું કે, ઘન જીવામૃતના પ્રયોગથી જમીનમાં મિત્ર સૂક્ષ્મ જીવો અને અળસિયાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આના કારણે ખેતરની જમીન ભરભરી અને પોચી બને છે, પરિણામે જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ વધે છે. એકંદરે, આ પ્રક્રિયા જમીનની ફળદ્રુપતામાં મોટો વધારો કરે છે. આથી, આગામી ખરીફ પાકોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી આવા બાયો ઇનપુટ વાપરવા ખેડૂતોને ખાસ અનુરોધ કરાયો હતો. રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો પડે તો તેનો કરકસરપૂર્વક અને સમતોલ ઉપયોગ કેવી રીતે કરવો તેની વૈજ્ઞાનિક સમજ પણ આપવામાં આવી હતી. પાકમાં આવતી જીવાતોના નિયંત્રણ માટે મોંઘી અને ઝેરી જંતુનાશક દવાઓના વિકલ્પ સ્વરૂપે કુદરતી ઉપચારો વિશે ખાસ ચર્ચા કરાઈ હતી. આસપાસ સહજ રીતે મળી આવતા આંકડો, લીમડો, ધતુરો વગેરે જેવી વનસ્પતિના પાનના અર્કમાંથી તૈયાર થતા 'દસ પર્ણી અર્ક' વિશે ખેડૂતોને વિશેષ જાણકારી અપાઈ હતી. જો ખેડૂતો આ ઓર્ગેનિક અર્કનો છંટકાવ તરીકે ઉપયોગ કરશે, તો ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થશે અને ખોરાકમાં ઝેરી દવાઓના અવશેષો આવતા અટકશે, જેથી સમાજ અને પરિવારની તંદુરસ્તી પણ ઉત્તમ રહેશે. આ તકે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →