સુરેન્દ્રનગર શહેરના દરેક વિસ્તાર સૂચક બોર્ડ લાગ્યા:મહાનગરપાલિકાએ લોકેશન શોધવાનું બનાવ્યું સરળ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સૂચક સાઈન બોર્ડ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે. આ પહેલથી શહેરીજનો અને મુલાકાતીઓ માટે ભૌગોલિક સ્થળો શોધવાનું સરળ બનશે. મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ આવતી વિવિધ સોસાયટીઓ અને મુખ્ય વિસ્તારોમાં આધુનિક અને સ્પષ્ટ સાઈન બોર્ડ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બોર્ડ્સ મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ અને સોસાયટીના પ્રવેશદ્વાર પાસે લગાવવામાં આવ્યા છે. આ સાઈન બોર્ડ્સ લગાવવાનો મુખ્ય હેતુ બહારથી આવતા નાગરિકો, કુરિયર અને ડિલિવરી કર્મચારીઓ તેમજ કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનોને ચોક્કસ સ્થળ શોધવામાં પડતી મુશ્કેલી દૂર કરવાનો છે. રાત્રિના સમયે પણ સ્પષ્ટ દેખાય તે માટે આ બોર્ડ્સ રેડિયમ કોટિંગ ધરાવે છે. શહેરી વિસ્તારના કાઉન્સિલરો અને મહાનગરપાલિકાના અધિકારીઓના સંકલનથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાયાની સુવિધાઓ સાથે આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવી એ તેમની પ્રાથમિકતા છે. આ સાઈન બોર્ડ્સથી વિસ્તારની ભૌગોલિક ઓળખ વધુ સ્પષ્ટ બનશે. આગામી સમયમાં શહેરના અન્ય વોર્ડ અને વિસ્તારોમાં પણ આવા સાઈન બોર્ડ લગાવવાનું આયોજન છે. સ્થાનિક રહીશો અને અગ્રણીઓએ આ કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આ લોકઉપયોગી કાર્યને બિરદાવી તંત્રનો આભાર માન્યો છે.
Read Original Article →