સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ-10નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો; નેતાઓ પ્રત્યે ભારે આક્રોશ;બદલાતા સમીકરણો વચ્ચે ખરાખરીનો જંગ
રાજ્યમાં નવનિર્મિત 15 મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે. એપ્રિલ માસના દઝાડતા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8 થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન રાજકીય ચિત્ર જોઈએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા એમ તમામ સ્તરે ભાજપનું એકહથ્થુ શાસન વર્તાય છે. અગાઉની સંયુક્ત પાલિકામાં પણ ભગવો લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે 'આપ' (AAP) પણ મેદાનમાં છે. કપરી સ્થિતિમાં પણ કોંગ્રેસ તેના વફાદાર 37% મતો જાળવી રાખે છે. આ વખતે રાજુભાઈ કરપડાને કારણે 'આપ'નું જોર વધ્યું હતું, જોકે તેઓ હવે ભાજપમાં ભળી ગયા છે. તેમ છતાં, ભાજપે જો વિજય કુચ જાળવી રાખવી હોય તો 'આપ' દ્વારા કપાતા મતોને રોકવા સચોટ વ્યૂહરચના ઘડવી પડશે, અન્યથા બેઠકો ઘટવાની ભીતિ છે. જોકે, વિધાનસભાની જેમ જો 'આપ' કોંગ્રેસના મતોમાં ગાબડું પાડે, તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે.
નવા યુવા મતદારોને રિઝવવા પર ધ્યાન જિલ્લામાં નોંધાયેલા આંકડાકીય ફેરફારો જોઈએ તો, અગાઉ કુલ 1,366,275 મતદારો હતા. સરકારી કામગીરી બાદ 21,415 મતદારો ઘટ્યા છે, તેની સામે યાદી સુધારણામાં 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપે સત્તા ટકાવી રાખવા માટે આ નવા યુવા મતદારોને રિઝવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વોર્ડ નં. 10 ના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2021 માં અહીં 7,695 પુરુષ અને 7,325 સ્ત્રી મળી કુલ 15,020 મતદારો હતા. મનપા બન્યા બાદ હવે અહીં 8,442 પુરુષ અને 7,914 સ્ત્રી મળી કુલ 16,356 મતદારો છે, એટલે કે 1,336 મતદારોનો વધારો થયો છે. જ્ઞાતિ સમીકરણો મુજબ 21,913 ની વસ્તીમાં SC- 1,490, ST- 15 અને OBC વસ્તી 8,598 છે. બેઠકોની ફાળવણી મુજબ બેઠક-1 અને 2 સ્ત્રી અનામત, બેઠક-3 OBC અને બેઠક-4 સામાન્ય વર્ગ માટે છે. અહીં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે
"સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરનારા ક્યાં ગયા?' સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, "ધારાસભ્ય ધનજીભાઈ સુરેન્દ્રનગરને 'સુંદરનગર' બનાવવાની વાતો કરતા હતા, પણ હવે દર્શન પણ આપતા નથી. ચૂંટણી ટાણે મીટિંગો કરી જમાડનારા નેતાઓ હવે દેખાતા નથી. પોતાની શેરીઓમાં સુવિધા છે, પણ અહીં 17 નંબરની શેરીમાં કોઈ ડોકાતું નથી. મત લેવા માટે લલચાવનારાઓને આ વખતે જનતા પાઠ ભણાવશે." મહાનગરપાલિકાના દરજ્જા સાથે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. વોર્ડ નં. 10 ના ચતુરભાઈ ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, "મનપા બનવાથી ટેક્સમાં વધારો તો નિશ્ચિત છે, તો તેની સામે સગવડતા પણ વધવી જોઈએ. જોકે શહેર થોડું સાફ દેખાવા લાગ્યું છે, પણ નાની સમસ્યાઓ નવી ચૂંટાયેલી પાંખ જલ્દી હલ કરે તેવી આશા છે." તેવી જ રીતે રતનપર શેરીના વિજયભાઈ કોશીયાએ આશા વ્યક્ત કરી કે, "મનપા બન્યા બાદ કામોમાં વેગ આવશે. અન્ય શહેરોની જેમ અહીં પણ વીજળીના તાર અન્ડરગ્રાઉન્ડ થાય અને રોડ-રસ્તા માત્ર લેવલિંગ નહીં પણ યોગ્ય આયોજન સાથે બને તે જરૂરી છે. શહેર ડસ્ટ-ફ્રી, ક્લીન અને વધુમાં વધુ વૃક્ષારોપણ સાથે 'ઓક્સિજન પ્રુફ' બને તેવી અમારી અપેક્ષા છે. ટેક્સ વધે તેની સામે સુવિધામાં પણ વૃદ્ધિ થવી જોઈએ." કંચનબેન પ્રજાપતિનો હૈયા વલોપાત
સ્થાનિક કંચનબેન પ્રજાપતિએ હૈયા વલોપાત ઠાલવતા કહ્યું કે, "ધનજીભાઈએ મત લેવા 10 મીટિંગો કરી જમાડ્યા, પણ હવે સફાઈ કામદારો પણ અહીં આવતા નથી. અમારી શેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છે, ફોન કરીએ તો જવાબ મળે છે કે માણસો નથી. શું માણસો વિદેશથી લાવવાના છે? આ વખતે મત દેવા જવું કે નહીં તે પણ એક પ્રશ્ન છે."
'નેતાઓ માત્ર વોટ માટે આવે છે' સાફ-સફાઈના મુદ્દે શારદાબેને પણ સુર પુરાવતા કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષથી અહીં કોઈ નિયમિત સફાઈ કરવા કે ગટર સાફ કરવા આવતું નથી. નેતાઓ માત્ર વોટ માટે આવે છે, પણ અમારી શેરીની સમસ્યાઓ જોવા કોઈ તૈયાર નથી. આ પ્રશ્નોનું વહેલું નિરાકરણ આવે તે જરૂરી છે.” માત્ર વાતો નહીં કામ જોઈએ મુસ્લિમ મતદાર ઇસ્માઇલ બાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે સત્ય અને દેશના વિકાસની સાથે છીએ. જે માણસ કામ કરશે તેની સાથે રહીશું. જે નેતાઓ પાંચ વર્ષ સુધી મોઢું નથી બતાવતા, તેમને હવે જનતા શોધી કાઢશે. માત્ર વાતો કરનારાઓનો સાથ હવે નહીં મળે."
પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? જ્યારે ભાવનાબેન પંચાસરાએ પાણી અને ગટરની સમસ્યા વર્ણવતા કહ્યું કે, “રતનપર શેરી નં. 16 માં સમયસર પાણી આવતું નથી. ચોમાસામાં આખી શેરીમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધે છે. ગટર અને રસ્તાના ઠેકાણા નથી, આ પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે?”
Read Original Article →