સુરેન્દ્રનગર મનપા કમિશનરની ભરૂચમાં બદલી:મહાનગરપાલિકાના સ્ટાફે ડો. નવનાથ ગવ્હાણેનો વિદાય સમારોહ યોજ્યો

Gujarat5/13/2026, 4:17:49 PM
સુરેન્દ્રનગર મનપા કમિશનરની ભરૂચમાં બદલી:મહાનગરપાલિકાના સ્ટાફે ડો. નવનાથ ગવ્હાણેનો વિદાય સમારોહ યોજ્યો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે બદલી થતાં આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું કે સુરેન્દ્રનગર એક સુંદર શહેર છે અને તેને વધુ સ્વચ્છ બનાવવાની જવાબદારી સૌની છે. તેમણે ઉમેર્યું કે ઝાલાવાડના મુખ્ય શહેર તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં છે. આ કાર્યો પૂર્ણ થતાં શહેર વિકસિત સ્વરૂપે ઉભરી આવશે. તેમણે તમામ કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અને શહેરની ગરિમા તથા સંસ્કૃતિ જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનર તરીકેના પોતાના અનુભવો વહેંચી કર્મચારીઓને સતત કાર્યશીલ અને સમર્પિત રહેવા માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમ કુમાર મકવાણા, સીટી એન્જિનિયર કલ્પેશભાઈ ચૌહાણ, કે. જી. હેરમા, જનસંપર્ક અધિકારી સંજયસિંહ ચાવડા અને ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રશાંત નિશારતાએ કમિશનર સાહેબ સાથેના પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સમગ્ર પરિવારે ડો. નવનાથ ગવ્હાણેને સન્માનભેર વિદાય આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →