સુરેન્દ્રનગર મનપા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સ્વચ્છતા સર્વેક્ષણ, જન કલ્યાણ શિબિર, પ્રિ-મોન્સૂન કામગીરી પર સૂચનો અપાયા

Gujarat6/7/2026, 3:37:38 AM
સુરેન્દ્રનગર મનપા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સ્વચ્છતા સર્વેક્ષણ, જન કલ્યાણ શિબિર, પ્રિ-મોન્સૂન કામગીરી પર સૂચનો અપાયા
સુરેન્દ્રનગર શહેરના વિકાસ કાર્યો અને નાગરિકોની સુવિધા સુદ્રઢ બનાવવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવની અધ્યક્ષતામાં તમામ વોર્ડ એન્જિનિયરોની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી મહત્વના પ્રોજેક્ટ્સ અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી દિશા-નિર્દેશો અપાયા હતા. બેઠકમાં મુખ્યત્વે સ્વચ્છતા સર્વેક્ષણ, જન કલ્યાણ શિબિર અને પ્રિ-મોન્સૂન કામગીરી જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત, સ્માર્ટ સિટીમાં શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં મોખરાનું સ્થાન અપાવવા માટે વોર્ડ કક્ષાએ સઘન આયોજન કરવા જણાવાયું હતું. કચરાના નિકાલ, ડોર-ટુ-ડોર કલેક્શન અને સાર્વજનિક સ્થળોની સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા તાકીદ કરાઈ હતી. સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે યોજાનારી 'જન કલ્યાણ શિબિર'ના સફળ આયોજન માટે એન્જિનિયરોને સક્રિય ભૂમિકા ભજવવા અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી. ચોમાસા દરમિયાન શહેરીજનોને પાણી ભરાવા કે અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયા હતા. જેમાં ગટર લાઈનોની સફાઈ, કેચપીટ ક્લિનિંગ અને રોડ રિપેરિંગના કામોને અગ્રતા આપવા જણાવાયું હતું. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવે જણાવ્યું હતું કે, "નાગરિકોની સુવિધા એ આપણી પ્રાથમિકતા છે. તમામ વોર્ડ એન્જિનિયરોએ પરસ્પર સંકલન સાધીને નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરવી પડશે. કામગીરીમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં." આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ વોર્ડના ટેકનિકલ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમણે સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
Read Original Article →