સુરેન્દ્રનગર મનપાએ માળોદમાં પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી:વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લી ગટરની સફાઈ કરાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 ના માળોદ ગામ વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે ખુલ્લી ગટરની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ મંદિરથી નાયારા પંપ સુધી આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરની સફાઈ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી કરવામાં આવી રહી છે. ગટરમાં ભરાયેલા ઝાંખરા, ગાદ અને કચરો દૂર કરીને પાણીનો પ્રવાહ સરળ બનાવવાનો મુખ્ય હેતુ છે. આ સફાઈ અભિયાનથી રોડની બાજુમાં થતી ગંદકી દૂર થશે અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે. ચોમાસા પહેલા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કામગીરી વોર્ડ નંબર 9 ના સદસ્યો દિવ્યાબેન મીયાવડા, પ્રદીપભાઈ વસતાણી, ભારતીબેન નિલેશભાઈ ખોખાણી, શૈલેષભાઈ મકવાણા તથા મનપા એન્જિનિયર રામદેવસિંહ સિંધવની દેખરેખ હેઠળ ચાલી રહી છે. કોર્પોરેટર પ્રદીપ વસતાણીએ કામગીરીની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક ખેડૂતોએ તેમને અંતરિયાળ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓ અંગે જાણ કરી હતી. ખેડૂતોએ નર્મદા કેનાલની સફાઈ અને ઉનાળામાં પીવા તથા ખેતી માટે પૂરતું પાણી મળે તે બાબતે પણ ધ્યાન દોર્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા માળોદ ગામમાં તંત્ર દ્વારા આ કામગીરી થતા ગામલોકોમાં સંતોષનો ભાવ જોવા મળ્યો છે.
Read Original Article →