ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ સંકલન સમિતિની બેઠકને 'વિદુષકોની બેઠક' ગણાવી:ઋત્વિક મકવાણાના વહીવટી તંત્ર પર પ્રહારો, કામકાજના સમયે યોગ ટાળવા સૂચન
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓની સમીક્ષા માટે યોજાતી જિલ્લા સંકલન સમિતિની બેઠક વિવાદમાં સપડાઈ છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કર્યા છે. મકવાણાએ આક્ષેપ કર્યો છે કે લોકોના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટેની આ ગંભીર બેઠકને વહીવટી તંત્ર દ્વારા માત્ર "વિદુષકોની બેઠક" બનાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં વાસ્તવિક કામકાજને બદલે દેખાડા અને નૌટંકીને વધુ પ્રાધાન્ય અપાય છે. ઋત્વિક મકવાણાએ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લખ્યું હતું કે, "સુરેન્દ્રનગર જિલ્લાનાં લોકોનાં પ્રશ્નો માટે સૌથી અગત્યની કહી શકાય તેવી જિલ્લા સંકલનની બેઠકને વહીવટી તંત્રએ બનાવી દીધી છે વિદુષકોની બેઠક! જ્યાં લોકોનાં પ્રશ્નોનાં નિરાકરણ અને કામગીરીની સમીક્ષા કરવાને બદલે નૌટંકી કરી સમય પસાર કરવામાં આવી રહ્યો છે!" બેઠક દરમિયાન થતી અન્ય પ્રવૃત્તિઓ અને સમયના બગાડ તરફ ઈશારો કરતા પૂર્વ ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને સીધી ટકોર કરી હતી. તેમણે લખ્યું કે, "જિલ્લા કલેક્ટર શ્રીને નિવેદન છે, યોગ માટે સવારે ૫/૬ વાગ્યે બધાને બોલાવી લો! કચેરીના કામકાજના સમયે કામકાજ કરો!" સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બેઠકમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓમાં વિલંબ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. પૂર્વ ધારાસભ્યના નિવેદન બાદ સવાલ ઊભો થયો છે કે શું લોકોના વાસ્તવિક પ્રશ્નોને અવગણીને માત્ર ઔપચારિકતા પૂરતી બેઠકો યોજાઈ રહી છે. પૂર્વ ધારાસભ્યની આ પોસ્ટ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષી નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ હવે ખુલ્લેઆમ વહીવટી તંત્રની કામગીરીની ટીકા કરી રહ્યા છે. સામાન્ય નાગરિકોમાં પણ વહીવટી તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર કે જિલ્લા કલેક્ટર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેમ, અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ સુધારાત્મક પગલાં લેવાય છે કે નહીં. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીનો સંપર્ક સાધવા છતાં સંપર્ક થઇ શક્યો નહોતો.
Read Original Article →