ખનન માફિયાઓને માહિતી આપતા વોટ્સએપ ગ્રુપ ઝડપાયા:પોલીસ કાર્યવાહીની બાતમી આપતા 23 એડમિનની અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન માફિયાઓને પોલીસ કાર્યવાહીની માહિતી આપતા વોટ્સએપ ગ્રુપનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે આવા 23 વોટ્સએપ ગ્રુપ એડમિનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં સરકારી અને ખાનગી જમીનો પર ચાલતા ગેરકાયદેસર ખનનને રોકવા માટે પોલીસ અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા સતત સંયુક્ત ઓપરેશન અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં, જ્યારે પોલીસ કે અન્ય વિભાગની ટીમ દરોડા પાડવા નીકળતી, ત્યારે ખનન માફિયાઓ પોલીસ પહોંચે તે પહેલાં જ ભાગી જવામાં સફળ રહેતા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક સ્થાનિક લોકો, પાનના ગલ્લાવાળા અને હોટેલ પર બેસતા ઇસમો પોલીસ તેમજ અન્ય સરકારી વાહનોની અવરજવર પર નજર રાખીને ખનન માફિયાઓ સુધી સચોટ માહિતી પહોંચાડતા હતા. ગયા અઠવાડિયે પોલીસે આવા 40 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી હતી. તેમના મોબાઇલ ફોનની ટેકનિકલ અને સાયબર ક્રાઇમ આધારિત ઝીણવટભરી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઇસમોએ વોટ્સએપ પર અલગ-અલગ ગ્રુપો બનાવ્યા હતા, જેના દ્વારા સરકારી ટીમોની પળેપળની માહિતી ખનન માફિયાઓ સાથે શેર કરવામાં આવતી હતી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું છે કે ખનન માફિયાઓ અને ટ્રેક્ટર ચાલકો દ્વારા આ ગ્રુપ ચલાવનારાઓને નિયમિતપણે પૈસા પણ ચૂકવવામાં આવતા હતા. સુરેન્દ્રનગર પોલીસની સાયબર સેલ, એલ.સી.બી. (LCB) અને ડીવાય.એસ.પી. (DySP) સહિતની ટીમો દ્વારા ટેકનિકલ પુરાવાઓના આધારે આજે 23 વોટ્સએપ ગ્રુપ એડમિનની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, "પોલીસ અને સરકારી તંત્રની કામગીરીમાં દખલગીરી કરવી કે બાતમી આપવી એ કાયદાકીય ગુનો છે. આ ગ્રુપોમાં જોડાયેલા અન્ય તમામ સભ્યો સામે પણ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે." તેમણે ઉમેર્યું કે, "આગામી સમયમાં પણ જિલ્લામાં ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખનન સામે પોલીસની આ ઝુંબેશ વધુ વેગવંતી અને કડક બનાવવામાં આવશે."
Read Original Article →