સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન સામે મેગા ડ્રાઈવ:84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નખાયા, રૂ. 1.25 કરોડનો દંડ ફટકારાયો

Gujarat5/20/2026, 4:25:09 PM
સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન સામે મેગા ડ્રાઈવ:84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નખાયા, રૂ. 1.25 કરોડનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનેગારોને પકડવા માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા અને કુલ રૂ. 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે 7 વોન્ટેડ અને 1 વોરંટવાળા આરોપી સહિત કુલ 8 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી, મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીની અધ્યક્ષતામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં એ.એસ.પી. કરણ પન્ના, પ્રો. ડી.વાય.એસ.પી. પુરુષાર્થ પટેલ, એલ.સી.બી. પી.આઈ. જે.જે. જાડેજા, બી ડિવિઝન પી.આઈ. એચ.એચ. જાડેજા, સુરેન્દ્રનગર પી.આઈ. એમ.એચ. વાઢેર સહિત સુરેન્દ્રનગર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના આશરે 100 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ ટીમો સાથે પી.જી.વી.સી.એલ. કચેરી, સુરેન્દ્રનગરના અધિકારીઓ પણ તેમની 54 ટીમો સાથે જોડાયા હતા. આ મેગા ડ્રાઈવ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગર, મિયાણાવાડ, પોપટપરા અને લક્ષ્મીપરા જેવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ટીમો દ્વારા એમ.સી.આર., હિસ્ટ્રીશીટર, મિલકત સંબંધિત, શરીર સંબંધિત, પ્રોહિબિશન અને જુગારના આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓના રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી. કુલ 125 ઘરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 84 વીજ જોડાણો ગેરકાયદેસર મળી આવ્યા હતા. પી.જી.વી.સી.એલ.ની ટીમે આ ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખીને ₹1.25 કરોડનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, બ્લેક કાચવાળા અને વાહન રજિસ્ટ્રેશનના કાગળો વગરના વાહનોને પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા 8 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Read Original Article →