રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'?, વોર્ડ નં. 9માં 'સ્માર્ટ સિટી'ના સપના સામે પાયાની સુવિધાઓનો પણ અભાવ; જનતામાં ભારે આક્રોશ
રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. સુવિધાના નામે મીંડું, ટેક્સના નામે તોતિંગ વધારો વોર્ડ નં. 9ની મહિલાઓ અને વૃદ્ધોમાં વહીવટીતંત્ર સામે ભારે નારાજગી છે. સ્થાનિક મહિલા મતદાર ચંદ્રિકાબેન ઠક્કરે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમારે મહાનગરપાલિકા જોઈએ છે કારણ કે, અમારે શહેરનો વિકાસ જોઈએ છે. પરંતુ, તંત્રને માત્ર ટેક્સ વધારવામાં જ રસ હોય તેમ લાગે છે. જો ટેક્સ વધારવો હોય તો એ જ પ્રમાણે સુવિધાઓ પણ આપવી પડેને? અહીં નથી રોડ-રસ્તાના ઠેકાણા કે નથી પાણીની પૂરતી વ્યવસ્થા. ત્રણ-ત્રણ દિવસે પાણી આવે છે અને તે પણ પૂરતા પ્રેશરથી મળતું નથી. રખડતા ઢોરનો આતંક અને સુરક્ષાનો અભાવ આ વિસ્તારની સૌથી મોટી અને ભયાનક સમસ્યા રખડતા પશુઓની છે. સ્થાનિક રહીશ ટ્વિંકલબેને જણાવ્યું હતું કે, રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે નાના બાળકોને ઘરની બહાર રમવા મોકલવા પણ જોખમી બન્યા છે. આ પશુઓ ગમે ત્યારે રાહદારીઓ પાછળ દોડે છે અને વાહનોને પછાડી દે છે, જેના કારણે અનેક વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા છે. લોકોની માગ છે કે, મહાનગરપાલિકા આ રખડતા ઢોર માટે કોઈ કાયમી વ્યવસ્થા કરે જેથી નાગરિકો શાંતિથી રસ્તા પર ચાલી શકે. બિસ્માર રસ્તા અને બગીચાની દુર્દશા રામેશ્વર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા જયાબેન પ્રજાપતિએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, અમારા વિસ્તારમાં રસ્તાઓ એટલા ખરાબ છે કે, ચાલતા જતાં પણ પડી જવાય તેવી સ્થિતિ છે. વૃદ્ધોને બેસવા માટે કે બાળકોને રમવા માટે એક પણ સારો બગીચો નથી. જો બગીચો હોય તો વૃદ્ધો અડધો કલાક ત્યાં બેસીને આરામ કરી શકે, પણ અહીં તો ચારેબાજુ ગંદકી અને કચરાના ઢગલા જ જોવા મળે છે. આ ઉપરાંત, સામાન્ય વરસાદ કે વાતાવરણમાં પલટો આવતા જ કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત છે. સરકારી કામકાજમાં ધક્કા અને વહીવટી શિથિલતા શારીરિક સુવિધાઓની સાથે વહીવટી પ્રક્રિયા પણ લોકો માટે માથાનો દુ:ખાવો બની છે. રાજેશભાઈ પ્રજાપતિ નામના મતદારે જણાવ્યું કે, આધાર કાર્ડ, રેશન કાર્ડ કે શોપિંગ લાયસન્સ જેવા પાયાના કામો માટે સરકારી કચેરીઓમાં અનેક ધક્કા ખાવા પડે છે. લોકોની માગ છે કે, વોર્ડ લેવલે કોઈ એવું સુવ્યવસ્થિત સેન્ટર ઊભું કરવામાં આવે જ્યાં સામાન્ય માણસનો સમય ન બગડે અને કામ ઝડપથી પતે. રાજકીય સમીકરણો અને જ્ઞાતિગત પ્રભુત્વ રાજકીય દૃષ્ટિએ જોઈએ તો વોર્ડ નં. 9માં જ્ઞાતિ સમીકરણો નિર્ણાયક સાબિત થશે. અહીં કુલ 21,704ની વસ્તીમાં OBC વર્ગના 12,385 અને SC વર્ગના 2,693 મતદરો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. જોકે, ભૂતકાળમાં અહીં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ અને રાજુ કરપડાના પક્ષ પરિવર્તન બાદ બદલાયેલા સમીકરણો ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. મતદાર યાદીમાં થયેલો ફેરફાર પણ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. જિલ્લામાં ઘટેલા 21,415 મતદાર સામે નવા ઉમેરાયેલા 21,316 નવા મતદારને જે પક્ષ પોતાની તરફ વાળવામાં સફળ રહેશે, તેનો વિજય નિશ્ચિત મનાય છે. હાલમાં તો વોર્ડ નં. 9ની જનતા 'સુવિધા નહીં તો વોટ નહીં' ના મિજાજમાં દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: બેઠક અનામત માળખું કુલ વોર્ડ: 13 | કુલ બેઠક: 52 | કુલ વસ્તી: 2,66,733
Read Original Article →