'15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી':15 દિવસે પાણી આવે છે એ પણ ગંદુ આવે છે, અમારે કેવી રીતે પીવું?; મતદારોએ આક્રોશ વ્યક્ત કર્યો

Gujarat4/4/2026, 12:35:00 AM
'15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી':15 દિવસે પાણી આવે છે એ પણ ગંદુ આવે છે, અમારે કેવી રીતે પીવું?; મતદારોએ આક્રોશ વ્યક્ત કર્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે નવી બનેલી મહાનગરપાલિકામાં યોજાનાર ચૂંટણીએ મતદારોમાં ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. આ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં ભોગાવો નદી કાંઠો, ભરવાડવાસ વિસ્તાર, રામાપીર મંદિર વિસ્તાર, હનુમાન ચોકની શેરીઓ, રોહિદાસ વંસી સમાજ વાડી, અનુસૂચિત જાતિ વાસ, સુખધામ વિસ્તાર, ઘરસાડા વિસ્તાર, શનિ મહારાજ મંદિર, પી.એન.બી બેંક વિસ્તાર, વઢવાણ ઝોન ઓફિસ વિસ્તાર, બ્રહ્મસમાજ સોસાયટી વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, બાલાસાગર તળાવ, દરગાહ વિસ્તાર, ભાવનગર રેલવે ફાટક વિસ્તાર, ત્રિમૂર્તિ સ્કૂલ વિસ્તાર, દેરાસર વિસ્તાર અને આર્ટસ કોલેજ રોડ વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. ‘અમે રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરીએ છીએ’ વોર્ડ નંબર-11ના ચામુંડાનગરમાં રહેતા કાંતિ દાના સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ સોસાયટી બન્યાને લગભગ 15 વર્ષ થયા છે. રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરવા છતાં હજી આ વિસ્તારમાં એકપણ પાર્ટી રસ લેતી નથી. માર્ચ મહિનો જતો રહ્યો અને અમે આમને આમ ઉલ્લુ બનીએ છીએ, પણ હવે કોઇ જાગો અને અમને રોડ રસ્તા આપો, પાણીની અને ગટરની વ્યવસ્થા આપો, ચોમાસાના ચાર મહિના સુધી કોઈ બાજુ જવાનો રસ્તો નથી, બાળકોને તકલીફ, મહિલાઓને તમામને તકલીફ પડી રહી છે. ‘રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત નહીં આપીએ’ આ અંગે જોરાવરનગરના ભગવાન રાવળદેવે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વર્ષોથી રોડની સુવિધા નથી, ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે કે, જેની કોઈ વાત ના થાય, પાણીમાં ટીંગાટોળી કરીને માણસોને લઈ જવા પડે છે. ચાલવામાં પણ બહુ જ તકલીફ પડે છે. માંખી અને મચ્છરનો ખુબ જ ત્રાસ છે. અમને રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત આપવાના નથી. ‘નાના છોકરાઓ માટે બાલ મંદિરની પણ સુવિધા નથી’ આ અંગે આરતીબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અમારે અહિં પાણી ભરાઈ રહે છે. આજુબાજુવાળા પાણી ઢોળે તો રોજ ઝઘડા થાય છે. આ વિસ્તારમાં 15 દિવસે એક વખત પાણી આવે છે. એમાંય 50 ટકા જેટલું પાણી તો કચરાવાળુ ગંદુ જ આવે છે. એ પાણી અમારે કેવી રીતે પીવું ? નાના છોકરાઓ માટે અહીં બાલ મંદિરની પણ સુવિધા નથી. બાલમંદિર માટે અમારે બાળકોને રેલવેના પાટા પાર કરીને જવું પડે છે. એ પણ સુવિધા કરાવો. અમારે પાણી વગર શું કરવું? આ અંગે લીલાબેન ડાભીએ જણાવ્યું હતું કે, અમારા ઘરના ભાઈઓ તો નોકરી અને કામ ધંધા માટે બહાર જતા હોય છે, તો અમારે પાણી વગર શું કરવું? બહારથી ટેન્કર મંગાવીએ તો એ રૂ. 500 લે છે. અમે મજૂરી કરીને ઘર ચલાવીએ છીએ. અહીં પાંચથી સાત દિવસે એક વખત પાણી આવે છે. અમને અહિં ખુબ તકલીફ પડે છે કોઈ સુવિધા નથી. મનપા બન્યા બાદ પણ વિવિધ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે આ અંગે ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા વિશાલ પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નં 11માં છેલ્લા 15 વર્ષથી આજ દિન સુધી અહીં એકપણ પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો નથી કે ગટરની લાઈનની કોઈ સુવિધા આપવામાં આવી નથી અને સમયસર ક્યારેય પાણી આવ્યું નથી. સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆત કરી છે. ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને પણ રજૂઆત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, અને અધિકારીઓનું શાસન આવ્યું ત્યારે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ લોકોની દાનત નથી લાગતી કે, આ વિસ્તારને ડેવલોપ કરવો પડે, રોડ રસ્તા બનાવવા પડે, સમયસર પાણી આપવુ પડે અને ભૂગર્ભ ગટર આપવી પડે. વધુમાં જણાવ્યું કે, આ કોમન પ્લોટમાં બાબા સાહેબનુ સ્ટેચ્યુ આવેલું છે, ત્યાં 14મી એપ્રિલ આવવાની છે, ત્યારે અહીં બાબા સાહેબના સ્ટેચ્યુએ કાર્યક્રમ યોજાશે, પણ અહીં આવવાની કોઈ વ્યવસ્થા નથી. ચોમાસુ હોય અને અહીંના લોકોને એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો અહીં નાની ગાડી પણ આવી શકતી નથી. ટીંગાટોળી કરીને દર્દીને દેવ પાર્ટી પ્લોટ સુધી લઇ જવો પડે છે. વધુમાં જણાવ્યું કે, હવે ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે, ત્યારે જે પણ ઉમેદવાર હશે એ તમામને કહીએ છીએ કે, આ વિસ્તારમાં કામ નહીં થાય તો આવનારા દિવસોમાં તમે ચૂંટાયા હશો તો પણ તમારા ઘરમાંથી બહાર કાઢીને આ વિસ્તારનું કામ કરાવવા અમે કટીબધ્ધ છીએ. આ વોર્ડમાં કેટલા મતદારો? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં વર્ષ 2021માં પુરુષ મતદારો -7,803, સ્ત્રી મતદારો -7,254 મળી કુલ મતદારો -15,056 હતા. જે મહાનગરપાલિકા બન્યા બાદ આ વોર્ડ નં 11માં પુરુષ મતદારો-6,355, સ્ત્રી મતદારો - 5,576 મળી કુલ મતદારો - 11,931 થયા છે, એટલે કે આ વોર્ડમાં કુલ 3,125 મતદારોનો ઘટાડો નોંધાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ સુરેન્દ્રનગર મનપામાં જ્ઞાતિ મુજબ વસ્તી જોઈએ તો વોર્ડ નં 11માં કુલ 19,160 વસ્તી છે. જેમાં SCની વસ્તી-6,509, STની 111 અને OBCની વસ્તી 8,784ની છે. જયારે આ વોર્ડ નં 11માં બેઠક-1માં OBC સ્ત્રી અનામત, બેઠક-2માં સ્ત્રી અનામત, બેઠક-3માં SC અને બેઠક-4માં સામાન્ય વર્ગની બેઠક છે. અને આ વોર્ડ નં 11માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.
Read Original Article →