સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:12.77 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, કંટ્રોલરૂમ કાર્યરત

Gujarat4/6/2026, 7:14:12 AM
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:12.77 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, કંટ્રોલરૂમ કાર્યરત
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના અંદાજે 12.77 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિત જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં લોકશાહીના પર્વની ઉજવણી થશે. વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી રીતે ચૂંટણી સંપન્ન કરવા માટે સુદ્રઢ આયોજન કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી, ચોટીલા અને લીંબડી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. થાનગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પંચાયત સ્તરે, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને જિલ્લાના 10 તાલુકાઓની કુલ 180 તાલુકા પંચાયત બેઠકો માટે સામાન્ય ચૂંટણીનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયપત્રક મુજબ, 6 એપ્રિલ, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે, ત્યારબાદ 13 એપ્રિલ, 2026ના રોજ ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 07:00 થી સાંજના 06:00 કલાક દરમિયાન યોજાશે. મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ, 2026 સુધીમાં સંપન્ન થશે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કાર્યરત રહેશે. તાલુકા પંચાયત માટે 20 ચૂંટણી અધિકારીઓ અને 20 મદદનીશ અધિકારીઓ, નગરપાલિકાઓ માટે 5 ચૂંટણી અધિકારીઓ અને 5 મદદનીશ અધિકારીઓ, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 3 ચૂંટણી અધિકારીઓ અને 3 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જિલ્લામાં કુલ 12,77,560 મતદારો નોંધાયેલા છે. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,94,359, નગરપાલિકાઓમાં 1,10,456 અને જિલ્લા/તાલુકા પંચાયતોમાં 9,72,745 મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગરના ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો 02752-284300, 285300 અથવા 285400 પર સંપર્ક કરી શકે છે.
Read Original Article →