એરવાડા કેનાલમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:2040 બોટલ અને બિયર ટીન સાથે એક શખ્સ પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એછવાડા ગામની સીમમાં આવેલી એરવાડા માઇનોર કેનાલ-2 પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. દસાડા પોલીસે રૂ. 3,41,896ના કુલ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 2040 નંગ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 2,86,896 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 50,000ની કિંમતનું એક હીરો કંપનીનું મોટરસાયકલ (રજી.નં-GJ-24-BG-8648) અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા અને તેમના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામનો સુરેશભાઈ અમૃતભાઈ ઠાકોર નામનો શખ્સ એરવાડા માઇનોર કેનાલ-2માં દારૂ ઉતારી રહ્યો હતો અને તેને પોતાની સ્વીફ્ટ ગાડી (રજી.નં-GJ-02-DP-8276) માં ભરવા આવ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે એરવાડા માઇનોર કેનાલ-2 પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સુરેશભાઈ અમૃતભાઈ ઠાકોર નાસી છૂટ્યો હતો, જ્યારે રાજુભાઈ ચંદુભાઈ વરમોરા (ઉ.વ. 20, ધંધો-મજૂરી, રહે. વરમોર, તા. માંડલ, જિ. અમદાવાદ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા રેન્જ વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે તૈયાર કરાયેલા ખાસ એક્શન પ્લાન અંતર્ગત કરવામાં આવી હતી. પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા સાથે એ.એસ.આઇ. હમીરભાઈ કરશનભાઈ સોલંકી, અના.પો.કોન્સ. કમલેશભાઈ પોપટભાઈ વાઘેલા અને આ.પો.કોન્સ. રાજુભાઇ માનુભાઇ વણોલ સહિતની ટીમે ભાગ લીધો હતો.
Read Original Article →