ભાજપના તેજાભાઈ મેટલીયા કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગરના 52 ગામોના આગેવાન સમર્થકો સાથે પક્ષપલટો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટલીયાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે બહોળી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પક્ષપલટાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ તેજાભાઈ અને તેમના સમર્થકોને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તેજાભાઈ મેટલીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન શાસક પક્ષની નીતિઓ સામે તેમને અસંતોષ છે. તેમણે કોંગ્રેસની જનહિતલક્ષી વિચારધારા સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના ૫૨ ગામોમાં પ્રભાવ ધરાવતા કોળી સમાજના આગેવાન તરીકે ઓળખાય છે. તેમના કોંગ્રેસ પ્રવેશને કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ પક્ષમાં નવપ્રવેશ કરનાર તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટના કોંગ્રેસ પક્ષ પ્રત્યે પ્રજાના વધતા વિશ્વાસનું પ્રતિક છે.
Read Original Article →